દેશના ગદ્દાર' જેવા નિવેદનો ન આપવા જોઈએ : અમિત શાહ

February 13, 2020

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે 'દેશના દેશદ્રોહી' જેવા નિવેદનો ન આપવા જોઈએ. પાર્ટી નેતાઓ દ્વારા અપાયેલા નફરતથી ભરેલા ભાષણથી પાર્ટીને નુકસાન થયું હોય તેવું બની શકે છે.

એક ચેનલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે અમે ફક્ત જીતવા કે હારવા માટે ચૂંટણી લડતા નથી. ભાજપ એક એવી પાર્ટી છે જે તેની વિચારધારાના વિસ્તરણમાં માને છે.

અમિત શાહે કહ્યું, 'હું રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યો ત્યારથી જ હું મારા જીવન સાથે ચૂંટણી લડતો આવ્યો છું. દિલ્હીની ચૂંટણીમાં જ કાઇ પ્રથમ વખત પ્રતિકૂળ પરિણામ આવ્યું નથી.

ઘણી વખત વિરુદ્ધ પરિણામો આવ્યા છે, તે પછી પણ મેં જીવ રેડીને કામ કર્યું. તેમણે કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું, તેથી હું મારી વિચારધારા શક્ય તેટલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું.

તેમણે કહ્યું, "જે  પણ સીએએ સાથે સંકળાયેલા મુદ્દા પર મારી સાથે વાત કરવા માંગે છે, તે મારી ઓફિસમાંથી સમય લઈ શકે છે, ત્રણ દિવસમાં સમય આપવામાં આવશે." તેમણે કોંગ્રેસ પર ધર્મના આધારે દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો.

ગૃહ પ્રધાને કહ્યું, 'દેશમાં 70 વર્ષથી ઘણા મુદ્દાઓ લટકેલા હતા. નરેન્દ્ર મોદીજીએ ઘણા નિર્ણાયક નિર્ણયો લીધા અને મજબૂત રાજકીય ઇચ્છાશક્તિનો પરીચય આપતા તમામ નિર્ણયો લીધા હતા.