રાજ્યો કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપી તરફ વળ્યાં

June 30, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા સાડા પાંચ લાખને પાર થઈ ગઈ હતી. એક જ દિવસમાં નવા 18,584 કેસ નોંધાયા હતા. 415 દર્દીઓએ દમ તોડી દીધો હતો. કુલ મૃત્યુ આંક 16,893 થઈ ચૂક્યો છે. કોરોનાની અસરકારક સારવાર માટે રાજ્યો હવે પ્લાઝમા થેરાપી તરફ વળ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પ્લાઝમા થેરાપીનું પ્રમાણ વધ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચની મંજૂરી પછી હવે દેશમાં પ્લાઝમા થેરાપીનું પ્રમાણ વધ્યું છે. મહારાષ્ટ્ર અને દિલ્હી પછી હવે હરિયાણાએ પણ પ્લાઝમા થેરાપીથી ઈલાજ શરૂ કર્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. ચિંતાજનક વધારા વચ્ચે પ્લાઝમા થેરાપી તરફ રાજ્યોના હેલૃથ વિભાગો વળ્યા છે. હરિયાણાની બધા જ મેડિકલ કોલેજોમાં પ્લાઝમા થેરાપીથી ઈલાજ થતો હોવાનું સરકારે કહ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે પણ પ્લાઝમા થેરાપીથી ઈલાજ શરૂ કર્યો છે. પ્લાઝમા થેરાપી એટલે જે દર્દીઓ કોરોનાથી સાજા થયા હોય તેમના શરીરમાંથી મેળવેલા એન્ટી બોડીને કોરોના સંક્રમિત દર્દીઓના શરીરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેનાથી અસરકારક સારવાર થતી હોવાનો દાવો થયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચે પણ આ સારવાર પદ્ધતિને મંજૂરી આપી હતી. એ  પછી રાજ્યોમાં પ્લાઝમા થેરાપીનું પ્રમાણ વધ્યું છે.

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રીનો ઈલાજ પ્લાઝમાથી થયો હતો. મંત્રીએ ખુદ સ્વસૃથ થયા પછી કહ્યું હતું કે પ્લાઝમા થેરાપીના કારણે જ તેનો જીવ બચ્યો હતો. ઘણાં નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અત્યારે ઉપલબૃધ સારવાર પદ્ધતિમાંથી પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. ખાસ તો જે દર્દીઓના શરીરમાં કોરોનાનું સંક્રમણ વધારે તીવ્ર હોય છે તેમના કેસમાં રીઝલ્ટ મળે છે.

દરમિયાન ભારતે ઈઝરાયેલની સ્ટાઈલથી જાહેર સૃથળોમાં કોરોના સામે લડવાનો પ્લાન અમલમાં મૂક્યો છે. ઈઝરાયેલે જે કિટાણુનાશક પદાર્થનો જાહેર સૃથળોએ ઉપયોગ કર્યો હતો એ જ તર્જથી ભારત પણ એ કિટાણુનાશકનો ઉપયોગ જાહેર સૃથળોએ કરશે.  

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોના સામે લડતા દર્દીઓની સારવારમાં પ્લાઝમાની અછત ન સર્જાય તે માટે પ્લાઝમા બેંક બનાવવામાં આવશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે દિલ્હીની પ્લાઝમા બેંક માત્ર બે દિવસમાં તૈયાર કરી દેવામાં આવશે. પ્લાઝમા બેંકમાં પ્લાઝમા ડોનેટ કરનારા માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર થશે. જે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે તેમને મુખ્યમંત્રીએ પ્લાઝમા ડોનેટ કરવાનું આહ્વાહન કર્યું હતું. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે આ બેંક દેશની પ્રથમ પ્લાઝમા બેંક હશે અને તે બ્લડ બેંકની તર્જ ઉપર કામ કરશે.

 મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે.  આ ઉપચારનો વ્યાપક ઉપયોગ થાય તે માટે વિશ્વની સૌથી મોટી પ્લાઝ્મા થેરેપી ટ્રાયલ મહારાષ્ટ્રમાં કરવામાં આવી રહી છે.  તેથી દર્દીઓ કે જે કોરોનાથી સ્વસ્થ થયા છે, તેઓએ અન્ય દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા દાન કરવાનો પ્રયાસ કરવો જોઇએ, એવી અપીલ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અહીં કરી હતી.