ISROના નવા SSLV રોકેટનું સફળ લોન્ચિંગ પરંતુ સેટેલાઈટ્સ સાથેનો સંપર્ક તૂટી ગયો

August 07, 2022

શ્રીહરિકોટા:  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી લોન્ચિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. EOS02 અને AzaadiSAT ઉપગ્રહોને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)માં મોકલવામાં આવ્યા છે. લોન્ચિંગ સફળ રહ્યું. રોકેટે યોગ્ય રીતે કામ કરતા બંને સેટેલાઈટ્સને તેમની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધા હતા. રોકેટ અલગ થઈ ગયું પરંતુ ત્યારબાદ સેટેલાઈટ્સ પરથી ડેટા મળવાનો બંધ થઈ ગયો છે.

ISRO પ્રમુખ એસ સોમનાથને કહ્યું કે, ઈસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લિંક સ્થાપિત થતાં જ અમે દેશને જાણ કરીશું. EOS02 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. જે 10 મહિના સુધી અંતરિક્ષમાં કામ કરશે. તેનું વજન 142 કિલો છે. તેમાં મિડ અને લોન્ગ વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા લગાવેલા છે. જેનું રિઝોલ્યુશન 6 મીટર છે. એટલે કે તે રાત્રે પણ મોનિટર કરી શકે છે. AzaadiSAT સેટેલાઇટ સ્પેલકિડ્ઝ ઈન્ડિયા નામની સ્વદેશી ખાનગી સ્પેસ એજન્સીનો સ્ટૂડન્ટ સેટેલાઈટ છે. તેને દેશની 750 છોકરીઓએ એકસાથે મળીને બનાવ્યો છે.