અચાનક થાક અને કંટાળો કયાં કારણસર આવે છે?

November 22, 2021

ઘણી વાર એવું બનતું હોય છે કે અચાનક શરીરમાં થાકનો અનુભવ થવા લાગે. થાકના કારણે અકળામણ, કંટાળો અનુભવાય. કંઈ જ કરવાનું મન ન થાય. નજર સામે સો કામ પડયાં હોય, તે કરવાની ઉતાવળ હોય તેમ છતાં એક પણ કામને હાથ અડાડવાનું મન પણ ન થાય. શરીરની આળસ દૂર જ ન થાય. અને આળસની સાથે કંટાળો તેમજ થાકનો અનુભવ પણ થવા લાગે ત્યારે એક વિચાર ચોક્કસ આવે કે અચાનક આવું કેમ થઈ રહ્યું છે? કેમ કારણ વગર આળસ અને થાકનો અનુભવ થઇ રહ્યો છે. પહેલાં સ્ફૂર્તિલા લાગતા આપણે અચાનક કેમ આળસુ બની ગયા છીએ? આવું કેમ થાય તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, ચાલો તે કારણોની તપાસ કરી લઇએ.  

આયર્નની કમી        
જો તમને કોઇપણ કારણ વગર અચાનક થાક અને આળસનો અનુભવ વધારે સમય સુધી રહ્યાં કરતો હોય તો બને કે તમારા શરીરમાં આયર્નની ખામી હોય. અમુક ઉંમર બાદ લગભગ દરેક સ્ત્રીના શરીરમાં હેલ્ધી ખોરાકના અભાવે આ ખામી વર્તાતી હોય છે. ખાસ કરીને ગર્ભાવસ્થા બાદ જો સરખું ધ્યાન રાખવામાં ન આવે તો આવું બનતું હોય છે. જો શરીરમાં આયર્નની ખામી સર્જાય તો ગમે તેટલો આરામ પણ શરીરને સ્ફૂર્તિલું નથી બનાવી શકતો. માત્ર ગર્ભાવસ્થા જ નહીં વધારે પડતું માસિક આવવાના કારણે પણ આ કમી જણાય છે. જો તમને પણ આયર્નની કમી સર્જાઈ હોય તો આયર્નયુક્ત ખોરાક લેવો. લીલા શાકભાજી તેમજ દરેક ખોરાક એવો લેવો જેમાં આયર્નની માત્રા હોય. તમે ટેબ્લેટ્સ પણ લઈ શકો છો.  

ઊંઘની સમસ્યા           
જો તમે છેલ્લા ઘણાં સમયથી થાક અને આળસનો અનુભવ કરી રહ્યાં હોવ તો આ સમય એવો છે જેમાં તમારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું ખૂબ જરૂરી છે. તમારી દિનચર્યા કેવી છે, તમે સમયસર સૂવો છો? સમયસર ઊઠો છો? પૂરતી ઊંઘ લો છો, તે બધું ચકાસવું. જો સમયસર ન સૂવાની આદત હોય તો તે બદલીને ચોક્કસ સમય નક્કી કરીને સૂઈ જ જવું. રાત્રે સૂતી વખતે  મોબાઇલ અડધો કલાક અગાઉ દૂર મૂકી દેવો. સવારે પણ ચોક્કસ સમયે ઊઠી જવું. આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી. જેમ ઓછી ઊંઘ શરીર માટે હાનિકારક છે તેમ વધારે પડતી ઊંઘ પણ સમસ્યા જ સર્જે છે એ યાદ રાખવું. તેથી માપસર અને પૂરતી ઊંઘ લેવી.