ચાર સંગઠનોનો MSUના કર્મીઓના આંદોલનને ટેકો

August 05, 2022

એમ એસ યુનિવસિટીમાં ચાર કામદાર સંગઠનોએ કર્મચારીઓની માંગણી વ્યાજબી અને વ્યવહારૂ હોવાનું જણાવી આજે એમ એસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓની લડતને ટેકો જાહેર કરતાં આંદોલને વેગ પકડયો હતો.

દરમિયાન ગત સોમવારથી હંગામી કર્મચારીઓએ હેડ ઓફીસ પરીસર ખાતે નારેબાજી, રામધૂન અને સુત્રોચ્ચાર સાથે આંદોલન શરૂ કર્યું છે. બીજા દિવસે કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની સાથે કર્મચારીઓના પરીવારજનો પણ આંદોલનમાં જોડાયા હતા.આજે આ આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું હતુ.

ચોથા દિવસે એમ એસ યુનિવર્સિટીના ચાર રજિસ્ટર્ડ કામદાર સંગઠનો બુસા- બરોડા યુનિ. સ્ટાફ એસોશિયેશન - BUSA , સ્ટાફ યુનિયન ઓફ નોન ટીચીંગ - SUN, ગુજરાત રાજ્ય પછાત વર્ગ બક્ષીપંચ કલ્યાણ મંડળ તેમજ મજદૂર સભાએ કર્મચારીઓને ટેકો જાહેર કર્યો હતો. આ સંગઠનોના પદાધિકારીઓએ આજે હેડ ઓફીસ ખાતે પહોંચી જઈ કર્મચારીઓ તેમજ તેમના પરીવારજનોને મળી કાયમી કરવાની માગણી સંદર્ભે રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી.