ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો : હવે ત્રીજી ટેસ્ટ માટે આ ખતરનાક બોલરનું રમવું મુશ્કેલ 

January 09, 2022

હાલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી 2 ટેસ્ટ મેચ બાદ ભારત હાલના તબક્કે સીરિઝમાં 1-1 થી બરાબરી પર છે. હવે સીરિઝની છેલ્લી મેચમાં બન્ને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો બની રહેશે. ભારતીય ટીમ દરેક સંજોગોમાં આ સીરિઝ (Series) જીતવા માટે ઈચ્છશે, કારણ કે આફ્રિકીની ધરતી પર આજસુધી સીરિઝ જીતવામાં ટીમ ઈન્ડિયાનું ખાતું પણ ખૂલ્યું નથી. પરંતુ છેલ્લા મુકાબલા પહેલા ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. જોકે ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ખેલાડી ટીમમાંથી બહાર થઈ શકે છે.

ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને જાંઘના સ્નાયુઓમાં ખેંચાણના કારણે કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બીજી ટેસ્ટના અંતે કહ્યું હતું કે સિરાજ સંપૂર્ણ રીતે ફિટ નથી. બીજી મેચ દરમિયાન હેમસ્ટ્રિંગના તાણને કારણે સિરાજે સમગ્ર મેચમાં માત્ર 15.5 ઓવર જ ફેંકી હતી. બીજા દાવમાં તે માત્ર 6 ઓવર જ કરી શક્યો હતો.

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ સિરાજ ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે સિરાજની જોડી ખૂબ જ અદ્ભુત છે અને આ ત્રણેય બોલરોએ ભારતીય ટીમ માટે ઘણી મેચ જીતી છે. સિરાજના ન રમવાથી ટીમ ઈન્ડિયા માટે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. ભારતીય ટીમ માટે શ્રેણીની છેલ્લી ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે, ‘સિરાજ સંપૂર્ણ રીતે ફિટ નથી અને અમારે આગળ વધીને તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવું પડશે કે તે આગામી ચાર દિવસમાં ફિટ થઈ શકશે કે નહીં. સ્કેન કર્યા બાદ ફિઝિયો ચોક્કસ સ્થિતિ કહી શકશે.’ 

કોચે ઈજા છતાં બોલિંગ કરવા બદલ સિરાજની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ‘સિરાજ પ્રથમ દાવમાં પણ સંપૂર્ણ રીતે ફિટ નહોતો. અમારી પાસે પાંચમો બોલર હતો અને અમે તેનો ઉપયોગ અમે ઇચ્છતા હતા તે રીતે કર્યો ન હતો અને તેનાથી અમારી વ્યૂહરચના પર અસર પડી હતી. જો સિરાઝ ત્રીજી મેચમાં રમશે નહીં તો ઉમેશ યાદવ અને ઈશાંત શર્મામાંથી કોઈ એકને અંતિમ 11માં સ્થાન મળશે.