હૈદરાબાદ અને મુંબઇ વચ્ચે જે રમાનારી મેચ ઉપર સંકટનાં વાદળો

May 04, 2021

અમદાવાદ: સ્પિનર વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ આવતા સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે
રમાનારા આઇપીએલના મુકાબલાના મેચના ગણતરીના કલાકો પહેલાં રદ કરી દેવામાં આવ્યો હતો. બંને ટીમો અમદાવાદમાં હોવાના કારણે આ મુકાબલો
સાતમી મેએ બપોરના ૩.૩૦ કલાકે રમાડવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ નવી દિલ્હી ખાતે મંગળવારે રમાનારા આઇપીએલના અન્ય એક
મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમનેસામને થશે ત્યારે વર્તમાન ચેમ્પિયન રોહિત શર્માની ટીમ વિજય માટે વધારે ફેવરિટ રહેશે.  
હૈદરાબાદની ટીમ સાત મેચમાંથી છ મેચ ગુમાવી ચૂક્યું છે અને ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહી છે. હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નરને
સુકાનીપદેથી હટાવીને કેન વિલિયમ્સનને નેતૃત્વ સોંપ્યું છે. રાજસ્થાન સામે વોર્નરની ગેરહાજરીમાં મનીષ પાંડે અને બેરિસ્ટોએ ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો.
વિલિયમ્સન ત્રીજા ક્રમે આવ્યો હતો અને જો હૈદરાબાદ આ બેટિંગ કમને જાળવી રાખશે તો આ ત્રણેયે મોટી અને આક્રમક ઇનિંગ્સ રમવી પડશે. વિજય શંકર,
કેદાર જાધવ, અબ્દુલ સમદ તથા મોહમ્મદ નબીએ પણ બેટ દ્વારા હવે વિશેષ યોગદાન આપીને ટીમને વિજયપથ ઉપર પાછી લાવવાનો પ્રયાસ કરવો પડશે.
 મુંબઇ ટીમ ફોર્મમાં છે અને તેના બેટ્સમેન તથા બોલર્સ અણીના સમયે વિજયી પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. ચેન્નઇ સામે પોલાર્ડે છગ્ગાવાળી કરીને
ટીમને છેલ્લા બોલે વિજય અપાવ્યો હતો. ડેથ ઓવર્સમાં બાઉલ્ટ અને બુમરાહની જોડી ઘણી ઘાતક સાબિત થઇ રહી છે.