લખીમપુર હિંસા મામલે કોંગ્રેસ પ્રતિનિધિમંડળ મળ્યું રાષ્ટ્રતિને, મંત્રીને હટાવવાની કરી માંગ

October 13, 2021

નવીદિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ બુધવારે લખીમપુર ખેરી હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. આ બેઠક દરમિયાન તમામ નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને પદ પરથી હટાવવાની માંગ કરી છે.  રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સામેલ હતા. તાજેતરમાં જ કોંગ્રેસે રાષ્ટ્રપતિને પત્ર લખીને મુલાકાતની માંગ કરી હતી. કોંગ્રેસ સતત લખીમપુર ખેરી ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાને હટાવવાની માંગ કરી રહી છે. રાષ્ટ્રપતિની બેઠક બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે આજે સરકાર સાથે ચર્ચા કરશે. તેમની (કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી) ની હકાલપટ્ટીની માંગ કોંગ્રેસની કે અમારા સાથીઓની માંગ નથી તે લોકોની માંગ છે અને ખેડૂતોના પરિવારોની માંગ છે. રાષ્ટ્રપતિને મળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ પાસેથી માંગ કરી હતી કે આરોપીના પિતા જે ગૃહ રાજ્યમંત્રી છે તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ કારણ કે તેમની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ સાથે સુપ્રીમ કોર્ટના બે સિટીંગ જજો દ્વારા પણ આ મામલાની તપાસ થવી જોઈએ.
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના વતન ગામની મુલાકાત સામે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરી જિલ્લાના ટીકુનિયા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં આશિષની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.