હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર થઈ રહ્યું છે, માત્ર હિંદુઓને જ મળશે મતાધિકાર

August 13, 2022

- ડ્રાફ્ટ પ્રમાણે નાગરિકોને 16 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ મતાધિકાર પ્રાપ્ત થશે અને 25 વર્ષની ઉંમરે તેઓ ચૂંટણી લડી શકશે
દિલ્હી- વારાણસી સ્થિત શંકરાચાર્ય પરિષદના અધ્યક્ષ સ્વામી આનંદ સ્વરૂપના કહેવા પ્રમાણે શામ્ભવી પીઠાધિશ્વરના સંરક્ષણમાં 30 લોકોના જૂથ દ્વારા હિંદુ રાષ્ટ્ર તરીકે ભારતના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સંતો અને વિદ્વાનોના એક વર્ગ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા આ ડ્રાફ્ટને 2023ના માઘ મેળા દરમિયાન યોજાતી 'ધર્મ સંસદ'માં રજૂ કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન આયોજિત માઘ મેળા દરમિયાન ધર્મ સંસદમાં ભારતને પોતાના આગવા બંધારણ સાથે એક 'હિંદુ રાષ્ટ્ર' બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

 
સ્વામી આનંદ સ્વરૂપના કહેવા પ્રમાણે તૈયાર કરવામાં આવી રહેલું બંધારણ 750 પાનાનું હશે તથા તેના કવર પેજ પર 'અખંડ ભારત'નો નકશો હશે.  હાલ શિક્ષણ, સંરક્ષણ, કાયદા-વ્યવસ્થા, મતદાનની વ્યવસ્થા સહિત અન્ય વિષયોને સાંકળતા પાસાઓ સાથે ડ્રાફ્ટના 32 પાના તૈયાર થઈ ગયા છે. પ્રયાગરાજ ખાતે યોજાનારા માઘ મેળામાં આશરે 300 પાના (આશરે અડધો ડ્રાફ્ટ) રજૂ કરવામાં આવશે અને તેના માટે 'ધર્મ સંસદ' યોજાશે.