પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રકમાં ઘૂસી, જેસીબી અને કટર વડે કારની બૉડી કાપીને મૃતદેહ કાઢવામાં આવ્યા

July 25, 2021

ભોપાલ  :  ભોપાલમાં રવિવારે વહેલી સવારે મિસરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતી કાર પાછળથી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અથડામણ એટલી તીવ્ર હતી કે ટાઇલ્સથી ભરેલી ટ્રકની પાછળના ટાયર પણ ઊંચા થઇ ગયા હતા. JCB મશીન અને લોખંડના કટરની મદદથી મૃતદેહો બહાર કાઢવામા આવ્યા હતા. મૃતકોમાંથી બેની ઓળખ 35 વર્ષીય હિતેશ ખજૂરી ગામના નિવાસી અને 25 વર્ષીય આદિત્ય પાંડે અવધપુરીના નિવાસી તરીકે થઈ છે. બાકીના બે મૃતકોની ઓળખ થવાની બાકી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા હની નામના યુવકની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આઈ-20 કારમાં પાંચ યુવકો ભોપાલથી મિસરોદ તરફ આવી રહ્યા હતા. બપોરે લગભગ 3.30 વાગ્યે ભોપાલ-હોશંગાબાદ રોડ પર સુરેન્દ્ર લેન્ડ માર્કની સામેથી ટાઇલ્સ ભરેલી ટ્રકમાં પૂરઝડપે આવતી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પાછળથી ઘૂસતા ટ્રકના પાછળના ટાયર ઉપર થઇ ગયા હતા. કારમાં સવાર યુવકોના ચહેરા ખરાબ રીતે કચડાઈ ગયા હતા.