'નિસર્ગ' વાવાઝોડાની અસર દેખાવા માંડી, ગોવામાં ભારે વરસાદ

June 02, 2020

નવી દિલ્હી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડુ 3 જુન સુધીમાં ત્રાટકે તેવી શક્યતાઓ છે ત્યારે મહારાષ્ટ્ર , ગુજરાત, દમણ-દીવ-દાદરાનગર હવેલીમાં એલર્ટ જાહેર કરાયો છે.રાજ્ય સરકારોએ હવે દરિયા કિનારાની નજીક અને નિચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને ખસેડવાની કામગીરી શરુ કરી છે.જાણવા મળતી વિગતો પ્રમાણે વાવાઝોડુ હાલમાં મુંબઈ અને પાલઘર નજીક પહોંચી રહ્યુ છે.હાલમાં વાવાઝોડુ મુંબઈથી 450 કિલોમીટર દુર છે. વાવાઝોડાની અસર ગોવા સુધી પહોંચી છે અને ગોવામાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગનુ કહેવુ છે કે, દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે.દક્ષિણ અને ઉત્તર ગોવામાં 45 કિમીથી માંડીને 55 કિમીની રફતારથી હવા ફૂંકાશે.હવામાન વિભાગનુ કહેવુ છે કે, આગામી 24 કલાકમાં અરબ સાગર પર સર્જાયેલુ દબાણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.
ગુજરાતમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા સુરત, ભરુચ, નવસારી, વલસાડ અને ડાંગ તથા સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં એનડીઆરએફની 10 ટીમો તૈનાત કરાઈ છે.