ફ્રિડમ કોન્વોય સામે ઈમરજન્સી એક્ટના ઉપયોગ બદલ તપાસ થશે

April 30, 2022

  • સરકાર તરફથી લેવાયેલા પગલાંની યોગ્યતા અને અસરનો અભ્યાસ કરાશે : ફેબ્રુઆરી 2023 સુધીમાં અહેવાલ રજૂ કરાશે
ઓન્ટેરિયો : કેન્દ્ર સરકારે ફ્રિડમ કોન્વોય કે જેનું આયોજન ટ્રકચાલકો દ્વારા ફરજિયાત રસીકરણના વિરોધ માટે કરવામાં આવ્યું હતું. તેને પહોંચી વળવા માટે ઈમરજન્સી એક્ટનો અમલ કરવા ટ્રુડોની એક રાષ્ટ્રીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ માટે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોલ એસ. રોલીવનાં નેતૃત્વમાં પબ્લિક ઓર્ડર ઈમરજન્સી કમિશન રચવા કવાયત આદરી છે. જે કમિશન કટોકટીનો ઉપયોગ કરવા બદલ તપાસ કરશે. પોલ એસ. રોલીવ ઘણાં લાંબા સમય સુધી ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેઓ આ તપાસમાં આખરી અહેવાલ રજૂ કરશે. જેમાં મહત્વનાં સંશોધન તથા સરકારે આમાંથી શો બોધપાઠ લીધો છે, તેનો નિષ્કર્ષ કઢાશે. હાઉસ ઓફ કોમન્સ તથા સેનેટના અધિકારીઓ પણ તેમાં પોતાની ફરજ બજાવશે. ફેબ્રુઆરી 2023 સુધીમાં અહેવાલ રજૂ કરવામાં આવશે.  આ સમિતિ સરકાર તરફથી જે પગલાં લેવામાં આવ્યાં છે, તેની યોગ્યતા અને અસરનો અભ્યાસ કરશે અને સરકારે ક્યા સંજોગોમાં કટોકટીના કાયદાનો ઉપયોગ કર્યો છે, તેની તપાસ કરશે. વધુ ચોકસાઈપૂર્વક કહીએ તો આ કમિશન વિરોધી દેખાવકારો, આયોજકો અને ભાગ લેનારાઓનું મૂલ્યાંકન અને તેમનાં હેતુઓની જાણકારી મેળવશે. ઉપરાંત આ દેખાવોમાં સ્થાનિક અને વિદેશી નાણાંની ભૂમિકા તથા ટોળાએ ભજવેલી ભૂમિકા વિશે તપાસ કરશે.  સોશિયલ મીડિયાનો ઉપયોગ અને આ સ્રોતનો ખોટી માહિતી ફેલાવવામાં કેટલો ઉપયોગ થયો છે તેની પણ તપાસ આ કમિશન કરનાર છે. આ ઉપરાંત આ બ્લોકેડની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડેલી અસર તેમજ દેખાવો દરમિયાન પોલીસ તથા અન્ય સંબંધિત સંસ્થાઓના પ્રયાસોનો કયાસ પણ કાઢવામાં આવશે.