ટી-20 વર્લ્ડકપમાંથી અક્ષર પટેલનું પત્તું કપાયું, શું રવિન્દ્ર જાડેજાના કારણે…

October 13, 2021

મુંબઈ- ટીમ ઇન્ડિયામાંથી અક્ષર પટેલનું પત્તુ કપાયું
BCCIએ અક્ષર પટેલને રિઝર્વ ખેલાડીમાં સ્થાન આપ્યું
અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુર ટીમમાં સામેલ
ટી-20 વર્લ્ડકપ 2021ને શરૂ થવામાં હવે માત્ર 4 દિવસનો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટના શરૂ થતા પહેલા બીસીસીઆઇ એ ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓમાં એક મોટો બદલાવ કર્યો છે. ખરેખર અક્ષર પટેલના સ્થાને ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આ ફેરબદલ અંગે બીસીસીઆઇ એ કોઇ કારણ જણાવ્યું નથી કે શામાટે અક્ષર પટેલને ટીમથી બહાર કરવામાં આવ્યો છે.
ટીમમાં પહેલાથી જ એક લેફ્ટ આર્મ સ્પિનર
ખરેખર ટીમ ઇન્ડિયામાંથી અક્ષર પટેલનું પત્તું કાપવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે, ટીમ ઇન્ડિયામાં પહેલાથી જ રવીન્દ્ર જાડેજા જેવો એક દિગ્ગજ લેફ્ટ આર્મ સ્પિનર ઓલરાઉન્ડર છે. જાડેજા સંપૂર્ણ રીતે ફિટ છે અને તેનું પ્લેઇંગ ઇલેવનમાં રમવું નક્કી છે, આવામાં અક્ષરને જગ્યા આપીને એક જગ્યા ભરાઇ જ રહી છે. જણાવી દઇએ કે, શાર્દુલને ટીમમાં સામેલ કરવાથી ઝડપી બોલર ઓલરાઉન્ડર ટીમને મળી ગયો છે.
ખરેખર શાર્દુલ ઠાકુરને આ કારણે પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે કારણ કે હાર્દિક પંડ્યા હાલ સંપૂર્ણ રીતે ફીટ નથી. હાર્દિકને લઇ હાલમાં પણ કોઇ અપડેટ સામે આવી નથી કે તે બોલિંગ કરશે કે નહીં. શાર્દુલ પ્લેઇંગ ઇલેવનમાં પણ તેનું સ્થાન લઇ શકે છે. શાર્દુલે ગત કેટલાક સમયમાં દેખાડ્યું પણ છે કે, તે બોલ અને બેટ બંનેથી કમાલ કરી શકે છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ અને તે પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પણ શાર્દુલ ઠાકુરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીસીસીઆઇ એ પોતાના નિવેદનમાં કહ્યું,‘ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્ટર્સ કમિટિએ ટીમ મેનેજમેન્ટની સાથે ચર્ચા કર્યા બાદ શાર્દુલ ઠાકુરને મુખ્ય ટીમમાં સામેલ કર્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ જે 15 સદસ્યોના સ્ક્વોડમાં હતો હવે તે સ્ટેન્ડઅપ પ્લેયરની લિસ્ટમાં છે.’ શાર્દુલ ઠાકુરે આઇપીએલ 2021માં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનો વિશ્વાસ જીતી લીધો છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી અત્યાર સુધી 15 મેચો રમી છે, જેમા તેણે 27.16ની સરેરાશ અને 8.75ની ઇકોનોમી રેટથી કુલ 18 વિકેટ હાંસલ કરી છે. તેની બેસ્ટ બોલિંગ ફિગર 3/28 રહી છે.

- ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.

રિઝર્વ ખેલાડી: શ્રેયસ અય્યરસ દીપક ચાહર, અક્ષર પટેલ
મેન્ટોર: મહેન્દ્ર સિંહ ધોની
કોચ: રવિ શાસ્ત્રી