બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે, રાજ ઠાકરેના ઉધ્ધવ ઠાકરે પર પ્રહારો

May 22, 2022

પુણે- મહારાષ્ટ્રમાં સીએમ ઉધ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ રાજ ઠાકરે વચ્ચેનો ગજગ્રાહ વધારે ને વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે પૂણેમાં એક સભામાં રાજ ઠાકરેએ ઉધ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે કયા હિન્દુત્વની વાત કરે છે.. સંભાજી નગરના મુદ્દા પર તેઓ કયો તર્ક આપી રહ્યા છે અને કેવી રીતે વાત કરી રહ્યા છે.. ઉધ્ધવ ઠાકરે મહાત્મા ગાંધી છે કે, સરદાર પટેલ છે?

ઉધ્ધવ ઠાકરેએ સંભાજી નગર નામ રાખવાની કોઈ જરૂર નથી તેવુ અગાઉ પોતાની સભામાં કહ્યુ હતુ. જેના સંદર્ભમાં રાજ ઠાકરેએ ઉધ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ હતુ અને સાથે સાથે કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે કહે છે કે મારુ હિન્દુત્વ સાચુ છે તો આ પ્રકારનુ નિવેદન એકદમ બાલિશ છે. તમે કોઈ વોશિંગ પાઉડર નથી વેચી રહ્યા કે આનુ શર્ટ મારા કરતા વધારે સફેદ છે તેવુ કહેવુ પડે. હકીકત એ છે કે, સાચુ હિન્દુત્વ એને કહેવાય કે જેના પરિણામ લોકોને નજરે પડે.


રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, એક પણ આંદોલન એવુ નથી જે મેં શરૂ કર્યા બાદ વચ્ચે છોડી દીધુ હોય. રાજ્યમાં મેં ટોલ નાકા સામે આંદોલન છેડીને 64 ટોલ પ્લાઝા બંધ કરાવ્યા હતા. આદિત્ય ઠાકરે કહે છે કે,  જો બાળા સાહેબ જીવતા હોત તો મહાવિકાસ અઘાડીની સરકાર જોઈને ખુશ થાત પણ હકીકત એ છે કે, શિવસેનાને એ વાતનો જરા પણ અહેસાસ નથી કે, બાળા સાહેબની પ્રતિષ્ઠા બરબાદ થઈ રહી છે.