યસ બેંક પર નાણા ઉપાડવા સહિતના મૂકવામાં આવેલા નિયંત્રણો ૧૮ માર્ચે દૂર કરાશે

March 15, 2020

નવી દિલ્હી : યસ બેંક પર નાણા ઉપાડવા સહિતના મૂકવામાં આવેલા નિયંત્રણો ૧૮ માર્ચથી ં ઉપાડી લેવામાં આવશે તેમ સરકારે આજે જણાવ્યું હતું. આ મહિનાના અંત સુધીમાં સીઇઓ અને એમડી પ્રશાંતકુમારના નેતૃત્ત્વવાળું બોર્ડ ચાર્જ સંભાળી લેશે. 

સરકારે શુક્રવાર મોડી રાતે યસ બેંક રીકન્સ્ટ્રકશન સ્કીમ, ૨૦૨૦ અંગે નોટિફિકેશન જારી કર્યુ હતું. આ સ્કીમ મુજબ એસબીઆઇ ત્રણ વર્ષ સુધી યસ બેંકમાં પોતાનો હિસ્સો ૨૬ ટકાથી ઓછું કરી શકશે નહીં. 

અન્ય રોકાણકારો અને વર્તમાન શેરહોલ્ડરો માટે યસ બેંકમાં તેમના રોકાણના ૭૫ ટકા હિસ્સા માટે લોક ઇન પિરિયડ ત્રણ વર્ષનો રહેશે. જો કે ૧૦૦થી ઓછા શેર ધરાવતા શેરહોલ્ડરો માટે લોક ઇન પિરિયડ રહેશે નહીં. 

સરકાર દ્વારા જારી કરાયેલા ગેઝેટ અનુસાર યસ બેંક રિકન્સ્ટ્રકશન સ્કીમ, ૨૦૨૦ ૧૩ માર્ચ, ૨૦૨૦થી અમલમાં આવી ગઇ છે. 

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ પાંચ માર્ચથી ડિપોઝીટર દીઠ ૫૦,૦૦૦ રૃપિયાથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

યસ બેંકના નવા બોર્ડમાં કુમાર ઉપરાંત પીએનબીના પૂર્વ નોન એક્ઝિકયૂટીવ ચેરમેન સુનીલ મહેતાને નોન એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકે સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત  મુકેશ કૃષ્ણામૂર્તિ અને અતુલ ભેડાને પણ નોન એક્ઝ્યુટીવ ડાયરેક્ટર તરીકે સામેલ કરવામાં આવશે. 

એસબીઆઇ યસ બેંકના ૪૯ ટકા શેરો ખરીદી લેશે. એસબીઆઇ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને બંધન બેંક પણ યસ બેંકમાં રોકાણ કરશે. 

એચડીએફસી૧૦૦૦ કરોડ રૃપિયામાં યસ બેંકના ૧૦૦ કરોડ શેર, એક્સિસ બેંક ૬૦૦ કરોડ રૃપિયામાં યસ બેંકના ૬૦ કરોડ શેર, કોટક મહિન્દ્રા બેંક ૫૦૦ કરોડ રૃપિયામાં યસ બેંકના ૫૦ કરોડ શેર અને બંધન બેંક ૩૦૦ કરોડ રૃપિયામાં યસ બેંકના ૩૦ કરોડ શેર ખરીદશે. યસ બેેંકની સત્તાવાર મૂડી ૬૨૦૦ કરોડ રૃપિયા નક્કી કરવામાં આવી છે. આ અગાઉ એસબીઆઇએ યસ બેંકમાં ૭૨૫૦ કરોડ રૃપિયાનું રોકાણ કરવાનું જણાવ્યું હતું.