ત્રીજી લહેર ઝડપથી પીક પર પહોંચી રહી છે, એક્ટિવ કેસ 14 લાખને પાર

January 15, 2022

નવી દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 67 હજાર 331 કોરોનાના નવા કેસ મળ્યા હતા, જ્યારે 1 લાખ 22 હજાર 311 લોકો સાજા થયા છે તેમજ 398 લોકોનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 44 હજાર 662નો વધારો નોંધાયો હતો. હાલમાં દેશમાં 14.10 લાખ એક્ટિવ કેસ છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક્ટિવ કેસ 14 લાખને પાર થઈ ગયા છે.

નવા સંક્રમિતોમાં માત્ર 3 હજારનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાં ગુરુવારે 2.64 લાખ લોકો સંક્રમિત મળ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કુલ 3.68 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.49 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 748 લોકોનાં મોત થયાં છે. કુલ એક્ટિવ કેસ 31મી ડિસેમ્બરે 1 લાખ અને 8મી જાન્યુઆરીએ 5 લાખ થયા હતા. આ રીતે માત્ર 15 દિવસમાં કુલ એક્ટિવ કેસ વધીને 14 ગણા થઈ ગયા છે.

આ દરમિયાન કોરોનાની સારવાર માટે દવા મોલનુપિરાવિરનાં વેચાણ અને ઉપયોગ પર ઓડિશા સરકારના ડ્રગ્સ રેગ્યુલેટરે પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય સરકારના રેગ્યુલેટરે કહ્યું હતું કે જ્યાં સુધી એ સંપૂર્ણ રીતે સાબિત ન થાય કે દવા સંપૂર્ણપણે સલામત છે ત્યાં સુધી એનાં ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)નું કહેવું છે કે કોઈપણ નવી દવાની સલામતી-અસરકારકતાની ચકાસણી કરવી અને દવાના ઉપયોગ કરવાની મંજૂરી આપવી એ કેન્દ્રનું કામ છે. ઓડિશા સરકારની એક ટેક્નિકલ સમિતિએ આ દવા પર પ્રતિબંધની ભલામણ કરી હતી, ત્યાર બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.