ઊંઝાથી જીરાની આડમાં ૧૮૮ કિલો હેરોઇન પંજાબ મોકલનાર ત્રણ શખ્સ માંડવીથી પકડાયા

February 12, 2020


ઓગસ્ટ ૨૦૧૯માં જખૌના દરિયામાંથી ૫૦૦ કિલો હેરોઇન આવ્યુ અને એટીએસએ ૩૦૦ કિલો હેરોઇન પકડી પાડયું હતુ. આ હેરોઇનનો એક ૨૦૦ કિલોનો જથ્થો ત્રણ શખસોએ માટીમાં દાટીને સંતાડી દીધો હતો અને બાદમાં તેને કાઢીને ઊંઝાથી જીરાના પેકેટમાં તૈયાર કરી પંજાબ અને કાશ્મીર મોકલ્યું હતુ. જેમાંથી પંજાબના ભંટીડાથી ૧૮૮ કિલો જથ્થો પકડાયો હતો. એટીએસએ ૧૮૮ કિલો હેરોઇન પંજાબ મોકલવાના કેસમાં ત્રણ આરોપીઓને ગાંધીધામ માંડવીથી પકડી પાડયા હતા. આ કેસમાં સંડોવાયેલા સિમરનજીત સીંગ ઇટાલીમાં પકડાયો છે અને તેની કસ્ટડી મેળવવા પણ એટીએસએ તૈયારી હાથ ધરી છે.


ગુજરાત એટીએસની ટીમે ૧૨-૦૮-૨૦૧૯ના રોજ જખૌના દરિયામાં સાત આઠ માઇલ અંદરથી વહાણમાંથી ૩૦૦ કિલો હેરોઇન પકડી પાડયું હતુ. આ સમયે અરસદ ઉર્ફે રાજુ દુબઇ અબ્દુલ રજાક સૌતા પાકિસ્તાની નાગરીક નબિબક્ષ મારફતે પાકિસ્તાનના હાજિ સાબ ઉર્ફે ભાઇજાન સાથે વાતચીત કરી ૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો ગુજરાત લાવ્યા હોવાનું ખુલ્યું હતુ. આ મોટા વહાણમાંથી નાની ફાઇબરની બોટમાં હેરોઇન માંડવી લાવ્યા હતા. આરોપી રફીક આદમ સુમરા અને શાહીદ કાસમ સુમરાએ આ જથ્થો આપ્યો હતો. બાદમાં આ જથ્થો શાહિદ કાસમ, રફીક સુમરા અને રાજુ દુબઇએ મળી કારમાં ઊંઝા લઇ ગયા હતા અને સમરનજીતસીંગના કહેવા પ્રમાણે તેમના માણસ નજીરઅહેમદ લાસી મોહમદ ઠાકર(રહે.કોકરનાગ, જમ્મુ કાશ્મીર) અને મંજુર અહેમગ અલીમ મહોમદ મીરે(રહે. જમ્મુ કાશ્મીર) પાંચ કિલો જથ્થો સંતાડી દીધો હતો.


આમ પંજાબ ખાતે મોકલેલો ૧૮૮ કિલો હેરોઇનનો જથ્થો પકડાયો હતો. આ કેસમાં તપાસ કરતા માંડવી ખાતેથી આ જથ્થો મોકલવામાં આવ્યો હતો. એટીએસએ આ કેસમાં બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા રઝાક આદમ સુમરા, ગાંધીધામના માટીકામના કોન્ટ્રાકટર કરીમ મોહમદ સીરાજ અને ટ્રકનો ગેરેજ ધરાવનાર સુનિલ વિઠ્ઠલ બારમાસેને સોમવારે પકડી પાડયા હતા. આ લોકોની પુછપરછમાં બહાર આવ્યુ હતુ કે, ૫૦૦ કિલો હેરોઇન ઉતર્યું હતુ તેમાંથી ૩૦૦ કિલો પકડાયા બાદ ૨૦૦ કિલો જમીનમાં દાટી સંતાડી દીધુ હતુ અને પૈસા કમાવવાની લાલચે ચાર મહિના પછી વેચાણ કરવાની કોશીષ કરી હતી. સુનીલે ટ્રકની વ્યવસ્થા કરી હતી અને રઝાકે સંતાડયું હતુ. એટીએસએ ફરાર આરોપીઓ સામે એલઓસી નોટિસ ઇશ્યૂ કરી છે. હજુ પણ ૧૨ કિલો જથ્થો ક્યા ગયો તેની એટીએસએ તપાસ હાથ ધરી છે.