જોકોવિચ-નદાલ વચ્ચે આજે ફાઇનલ

October 11, 2020

પેરિસ: વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચ અને ક્લે કોર્ટના બેતાજ બાદશાહ તથા ૧૨ વખતના વિજેતા સ્પેનના રફેલ નદાલ વચ્ચે રવિવારે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ મેન્સ સિંગલ્સની 'બ્લોક બસ્ટર' ફાઇનલ રમાશે. નોવાક જોકોવિચે બીજી સેમિફાઇનલમાં પાંચમા ક્રમાંકિત સ્તેફાનોસ સિત્સિપાસને પાંચ સેટના સંઘર્ષ બાદ ૬-૩, ૬-૨, ૫-૭, ૪-૬, ૬-૧થી હરાવ્યો હતો. નોવાક જોકોવિચે પાંચમી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ નદાલે આર્જેન્ટિનાના ડિએગો શ્વાર્ટ્ઝમેનને સતત સેટમાં ૬-૩, ૬-૩, ૭-૬(૦)થી હરાવીને ૧૩મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિત્સિપાસ સામે જોકોવિચે ૫૬ વિનર્સ ફટકાર્યા હતા અને આ તેની ૨૭મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ છે. ચાલુ વર્ષે તેણે પોતાના શાનદાર રેકોર્ડને ૩૭-૧નો કર્યો છે. નદાલે સેમિફાઇનલ જીતવા માટે ત્રણ કલાક નવ મિનિટનો સમય લીધો હતો. તેણે ફ્રેન્ચ ઓપનની ૧૦૧ મેચમાં ૯૯ વિજય હાંસલ કર્યા છે.