આવતી કાલે જેઠ મહિનાની પૂનમ; ત્રણ શુભ યોગ હોવાથી આ દિવસે સ્નાન-દાન કરવાથી ત્રણગણું પુણ્ય મળશે

June 13, 2022

જેઠ મહિનાની પૂર્ણિમાને સ્કંદ પુરાણ અને ભવિષ્યપુરાણમાં પર્વ કહેવામાં આવે છે. આ વખતે આ પૂર્ણિમા 14 જૂન, મંગળવારે આવી રહી છે. આ પર્વમાં સ્નાન-દાન, વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે. આ દિવસે નક્ષત્રોનો શુભ સંયોગ બની રહ્યો છે. જેથી કરવામાં આવતા ધર્મ-કર્મનું શુભફળ વધી જશે. જ્યોતિષાચાર્ય  જણાવે છે કે આ દિવસે શુભ, બુધાદિત્ય અને શશ નામનો મહાપુરૂષ યોગ બની રહ્યો છે. જેથી આ પર્વ વધારે ખાસ થઈ જશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનથી મળતું પુણ્ય અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવતા પુણ્યકર્મથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ધાર્મિક મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમા જેઠ પૂર્ણિમાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ દિવસથી જ લોકો ગંગાજળ હાથમાં લઈને અમરનાથ યાત્રા માટે રવાના થાય છે. જોકે, આ વર્ષે આ યાત્રા થશે કે નહીં તેના અંગે અસમંજસની સ્થિતિ છે.
આ પૂર્ણિમાએ જ સંત કબીરદાસ જયંતિ ઊજવવામાં આવે છે.
જેઠ મહિનાની પૂનમના દિવસે પિતૃઓની વિશેષ પૂજા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે.
સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ પર્વમા વડના ઝાડની પૂજા અને સાવિત્રી વ્રત કરવામાં આવે છે.

જ્યોતિષીય મહત્ત્વ

આ પર્વમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે 169 થી 180 ડિગ્રીનું અંતર હોય છે. જેથી આ ગ્રહ સામસામે હોય છે અને તેમની વચ્ચે સમસપ્તક યોગ બને છે.
આ યોગમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળે છે.
પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે. એટલે આ તિથિએ માનસિક ઊથલપાથલ જરૂર થાય છે.
પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે પૂર્ણ રહે છે. એટલે આ દિવસે ઔષધીઓનું સેવન કરવાથી ઉંમર વધે છે.
મંગળવાર અને પૂર્ણિમા તિથિથી બનતા શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે.