આવતીકાલથી સુરતમાં શરૂ થશે અંડર-19 કૂચ બિહાર ટ્રોફી, આ છ રાજ્યોની ટીમ વચ્ચે રમાશે ટ્રોફી  

November 28, 2021

સુરત શહેરના આંગણે આ સોમવારથી લાલભાઇ કોન્ટ્રાકટર અને અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંડર-૧૯ કુચ બિહાર ટ્રોફી એલાઇટ-સી ગુ્રપની ૧૫ મેચોનો આરંભ થઇ રહ્યો છે. આ મેચ છ રાજયોના ક્રિકેટરો વચ્ચે રમાશે. સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ તથા બીસીસીઆઇ અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના માર્ગદર્શન હેઠળ સુરતના આંગણે આગામી ૨૯ મી નવેમ્બરથી  તમિલનાડુ, મધ્યપ્રદેશ, છતીસગઢ, હિમાચલ પ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્ર એમ છ રાજયો વચ્ચે અંડર-૧૯ કુચ બિહાર એલાઇટ સી- ગુ્રપની ૧૫ મેચોનું આયોજન થયુ છે. 

આ મેચો લાલભાઇ કોન્ટ્રાકટર, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના પર રમાશે. તમામ ટીમોને અલગ અલગ આઠ ગુ્રપોમાં વહેંચી દેવાઇ છે. સી-ગુ્રપની તમામ મેચો સુરતમાં રમાશે. ગુ્રપની બે મોખરાની ટીમો નોકઆઉટ માટે કવોલીફાઇડ થશે. કોરોનાને લઇને તમામ ટીમો એરપોર્ટ થી સીધા હોટલમાં જઇને બાયો-બબલમાં કવોરેન્ટાઇન થયા બાદ આજે સવારે બહાર નિકળીને પ્રેકટીસ કરી હતી.

આ મેચ સાથે સંકળાયેલા ખેલાડીઓ જ નહીં પરંતુ  મેચ ઓફીશીયલ, વીડીયો એનાલીસ્ટ તેમજ સ્કોરર તમામના કોવીડ આરટીપીસીઆર ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવશે. બીસીસીઆઇ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.મેચ સવારે ૯.૩૦ થી શરૂ થઇને સાંજે ૫ વાગ્યુ સુધી રમાશે.