ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પ ઇરાન પર હુમલો કરવા ઈચ્છતા હતા

November 18, 2020

વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાના હતા. ટ્રમ્પના નિશાના પર ઈરાનનું મુખ્ય પરમાણુ કેન્દ્ર નતાંજ હતુ. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ઈરાનની પરમાણુ સામગ્રીમાં થઈ રહેલા સતત વધારાના કારણે ટ્રમ્પ આ નિર્ણય લેવા ઇચ્છતા હતા. ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પે ગત અઠવાડિયે થયેલી બેઠકમાં ઈરાનના પરમાણુ ઠેકાણાને નષ્ટ કરવાના વિકલ્પોને લઇને સલાહકારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આમાં ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસ, રક્ષામંત્રી ક્રિસ્ટોફર મિલર અને જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ માર્ક મિલી જેવા લોકો સામેલ હતા. આ દરમિયાન ટ્રમ્પને સલાહ આપવામાં આવી કે જો આવું પગલું ઉઠાવવામાં આવે છે તો અમેરિકા અને ઈરાનની વચ્ચેની ખાઈ ઘણી વધી જશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ ખુલાસો કર્યો હતો કે ઈરાનની પરમાણુ સામગ્રીમાં અનેક ઘણો વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે આ હુમલાનું સંભિવત ક્ષેત્ર ઈરાનનું પરમાણુ કેન્દ્ર નતાંજ હતુ. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અનુસાર અહીં વર્ષ 2018માં થયેલા પરમાણુ કરારથી 12 ઘણો વધારે યૂરેનિયમનો ભંડાર વધી ચુક્યો છે અને આ કારણે ટ્રમ્પ અહીં હુમલો કરવા ઇચ્છતા હતા. આ પહેલા પણ ગત વર્ષે જૂન મહિનામાં ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવા ઇચ્છતા હતા, પરંતુ થોડીક મિનિટો પહેલા જ તેમણે પ્લાન રદ્દ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઈરાને અમેરિકાના એક ડ્રોન વિમાનને તોડી પાડ્યું હતુ અને આનો બદલો લેવા માટે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવા ઇચ્છતા હતા.