૨૪ લાખ પાઉન્ડના મની લોન્ડરિંગ કેસમાં બ્રિટનમાં બે ભારતીયોને જેલ

May 31, 2020

લંડન : ૨૪ લાખ પાઉન્ડના વૈશ્વિક મની લોન્ડરિંગ કૌભાંડમાં સંડોવણી બદલ બ્રિટનમાં બે ભારતીય મૂળના પુરુષોને કુલ ૧૨વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે વધુ ૧૬ લાખ પાઉન્ડનું લોન્ડરિંગ કરવાના પણ પ્રયત્નો કર્યા હતાં.

૩૨ વર્ષીય કૃષ્ણાસ્વામીને પાંચ વર્ષ ૯ મહિના અને ૪૪ વર્ષીય ચંદ્રશેખર નલ્લાયનને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ચુકાદા પછી ડિટેક્ટિવ કોન્સ્ટેબલ મિલેના બિંગલેએ જણાવ્યું હતું કે બેશરમ બંને લોકોએ પીડિતોને અસહ્ય દુઃખ પહોંચાડયું છે. આ સજા એ લોકો માટે ચેતવણી છે જે માને છે કે મની લોન્ડરિંગથી નાણા બચાવીને તે નિર્દોષ છૂટી જશે. મની લોન્ડરિંગ માટે જવાબદાર લોકોને પકડીને તેમને સજા આપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ જ જટિલ કેસ હતો. તેમણે તપાસમાં સહકાર આપવા બદલ સુરક્ષા કર્મચારીઓ અને બેંકોના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કૌભાંડનો શિકાર ૨૪ કંપનીઓ બની હતી. તેમણે નકલી ઇમેલથી કંપનીઓનો સંપર્ક કરતા હતાં. કંપનીઓ સમજતી હતી કે વાસ્તવિક ગ્રાહકો દ્વારા તેેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. જ્યારે વાસ્તવિક ગ્રાહકો સામે આવતા ત્યારે આ કૌભાંડની જાણ થતી.