લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડોદરાના સોની પરિવારનો સામૂહિક આપઘાત, ત્રણના મોત

March 03, 2021

વડોદરા- વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના છ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં મકાન નંબર સી. 13માં રહેતા નરેન્દ્ર સોની મંગળ બજાર વિસ્તારમાં ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતા હતા છેલ્લા બે વર્ષથી અને લોકડાઉનની પરિસ્થિતિમાં તેમને આર્થિક નુકસાનમાં ઉતરોતર વધારો થતો ગયો હતો જેથી જીવન નિર્વાહ કરવાની મુશ્કેલી પડતી હતી.


આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ જવાને કારણે તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સમા વિસ્તારની સોસાયટીમાં તેવો અગાઉ મકાન નંબર C-18માં રહેતા હતા એ મકાન તેમણે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતા રૂપિયા 25 લાખમાં વેચી દીધું હતું અને નજીકમાં ભાડાનું મકાન લઈને રહેતા હતા. આજે બપોર બાદ નરેન્દ્રભાઈ સોની તેમના ઘરે આવ્યા હતા અને આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પણ પડી ભાંગ્યા હતા જેથી તેમના પરિવારના સભ્યો દીપ્તિ સોની, ભાવિન સોની, ઊર્મિ સોની, રિયા સોની પાર્થને સાથે રાખી ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો હતો.


આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રારંભમાં ત્રણ વ્યક્તિ જીવિત હોવાનું જણાતા નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહીં છે.