મહારાષ્ટ્રના પીઢ કોંગ્રેસી નેતા શિવાજીરાવ પાટિલ નીલંગેકરનું નિધન

August 05, 2020

પૂણે : મહારાષ્ટ્રના પીઢ કોંગ્રેસી નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવાજીરાવ પાટિલ નીલંગેકરનું અવસાન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. કોરોનાગ્રસ્ત થવાના પગલે તેમને પૂણેની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જો કે એમણે કોરોનાને માત આપી હતી અને સાજા થઇને ઘેર પાછા ફર્યા હતા. મરાઠવાડા વિસ્તારના લાતુરમાંથી રાજકારણમાં પ્રવેશેલા શિવાજીરાવ 1985થી 1986ના એક વર્ષ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

શિવાજીરાવે 1985માં એટલે કે મુખ્ય પ્રધાન થયા બાદ પોતાની પુત્રી અને પુત્રીના એક ફ્રેન્ડને એમડીની પરીક્ષાનાં પરિણામોમાં છેડછાડ કરવામાં સહાય કરી હતી એવો તેમના પર આક્ષેપ આવતાં તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું.

શિવાજીરાવે 1968માં મહારાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટે ચાર કૉલેજ, 12 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ્સ અને 15 પ્રાથમિક સ્કૂલ સ્થાપી હતી. પોતાના જન્મસ્થળ નીલંગામાં તેમણે 1984માં મહારાષ્ટ્ર ફાર્મસી કૉલેજની સ્થાપના કરી હતી. તેમની નિકટનાં સૂત્રોએ કહ્યું કે કોરોના સામેની લડતમાં તો તેઓ વિજેતા નીવડ્યા હતા પરંતુ કિડનીની બીમારીએ તેમનો ભોગ લીધો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે નીલંગામાં થશે.