વોડા આઇડિયાની ખોટ વધીને ₹6,438.8 કરોડ

February 15, 2020

નવી દિલ્હી:વોડાફોન આઇડિયાએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹6,438.8 કરોડની ખોટ કરી છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીની ખોટ ₹5,004.6 કરોડ રહી હતી. કંપનીની કુલ આવક 5ટકા ઘટીને ₹11,380.5કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹11,982.8 કરોડ હતી.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો ફાઇનાન્સ ખર્ચ લગભગ 30 ટકા વધીને ₹3,722.2 કરોડ થયો છે. સૂચિત ગાળામાં ઘસારો 23 ટકાની વૃદ્ધિ સાથે ₹5,877.4 કરોડ નોંધાયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના ₹50,922 કરોડની તુલનામાં કંપનીની ખોટ ઘણી નીચી રહી છે. એ સમયે કંપનીએ સુપ્રીમ કોર્ટના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ના આદેશને પગલે સ્ટેચ્યુટરી લેણાં માટે જોગવાઈ કરી હતી. કંપનીનું પરિણામ બજાર બંધ થયા પછી જાહેર થયું હતું. વોડા આઇડિયાનો શેર BSE પર ગુરુવારે 0.7 ટકા ઘટીને ₹4.48ના મથાળે બંધ રહ્યો હતો.