વોર્નર બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, અખ્તર ગુસ્સે થયો; બાબર સાથે ભેદભાવ થયાનો આક્ષેપ લગાવ્યો

November 15, 2021

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી પહેલીવાર આ ટાઈટલ પોતાને નામ કર્યું છે. ટીમની યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ડેવિડ વોર્નરને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'ના અવૉર્ડથી સન્માનિત કરાયો છે.

જોકે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને આ વાત નહોતી ગમી અને તેણે બાબર સાથે અન્યાય થયો હોવાની વાત કહી હતી. વોર્નરને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'ના અવૉર્ડથી સન્માનિત કરાયા પછી અખ્તરે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું હતું કે બાબર આઝમ સાથે પક્ષપાત થયો છે.

અખ્તરના જણાવ્યા પ્રમાણે, આ અવૉર્ડ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને મળવો જોઈતો હતો. ફાઇનલ પછી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ડેવિડ વોર્નરને અવૉર્ડ અપાયો તેની ગણતરીની સેકન્ડમાં શોએબે ટ્વીટ કરી લખ્યું હતું કે હું ઘણો ઉત્સુક હતો કે આ અવૉર્ડ બાબર આઝમને મળશે, પરંતુ આ એક પક્ષપાત સમાન નિર્ણય છે.