વેક્સિન, રેમડેસિવિર અને ઓક્સિજનના વિદેશી દાનને IGSTમાંથી મુક્તિ અપાઈ

May 04, 2021

નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ કેસની વધતી સંખ્યા અને ઓક્સિજનની અછત વચ્ચે સરકારે સોમવારે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને
રોકતી અને સારવાર માટે ઉપયોગમાં આવતી અને મફત વહેંચણી માટે વિદેશમાંથી દાન તરીકે મોકલવામાં આવેલી મોટાભાગની મેડિકલ સપ્લાઇને
ઇન્ટિગ્રેટેડ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(IGST)માંથી મુક્તિ આપી દીધી છે. આ મેડિકલ સપ્લાઇમાં કોવિડ-૧૯ વેક્સિન, ઓક્સિજન અને તેને સંબંધિત
ઇક્વિપમેન્ટ્સ, એન્ટિવાઇરલ ડ્રગ રેમડેસિવિર અને ડાયગ્નોસ્ટિક કીટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આયાત પરની IGST સ્થાનિક સ્તરે ઉત્પન્ન થતાં
ગૂડ્ઝ પર લાગતા જીએસટીને સમકક્ષ હોય છે. જો કે આ રાહત જૂનના અંત સુધી અમલી રહેશે તેમ નાણા મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું
હતું. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારે પાછલા મહિને મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કન્સનટ્રેટર અને તેને સંબંધિત ઈક્વિપમેન્ટ્સની આયાત પરની કસ્ટમ્સ
ડયૂટીને દૂર કરી હતી.