નિર્ભયાને ક્યારે મળશે ન્યાય! ચારે દોષિતની ત્રીજીવાર ફાંસીની સજા ટળી

March 02, 2020

નવી દિલ્હી : સવા સાત વર્ષની લાંબી કાનૂની લડાઇ બાદ આખરે નિર્ભયાને ન્યાય મળ્યો છે. નિર્ભયાના દોષીઓની ફાંસીનો રસ્તો સાફ થઇ ગયો છે પરંતુ તેવામાં હવે પટિયાલા હાઉસ કોર્ટે આવતીકાલે સવારે 6 વાગ્યે ફાંસી આપવાના ડેથ વોરંટ પર રોક લગાવી દીધી છે. આગામી આદેશ સુધી તમામ દોષિતોને ફાંસી નહી આપી શકાય. ત્રીજી વાર નિર્ભયાના દોષીઓની ફાંસી ટળી છે.

નિર્ભયાના ચારેય દોષીઓની ફાંસી ફરી એકવાર ટળી ગઇ છે. નિર્ભયા ગેંગરેપ મર્ડર કેસના ચારેય આરોપીઓમાંથી એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ હોવાના કારણે પટિયાલા હાઉસ કોર્ટે ચારેયની ફાંસી પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. પૂર્વ આદેશ અનુસાર ચારેયને આવતી કાલે 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી.

પવને સુપ્રીમમાં ક્યુરેટિવ પિટિશન કરીને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી. પવનના વકીલ એ પી સિંહે કહ્યું હતું કે આ કેસ મોતની સજા સાથે જોડાયેલો છે તેથી તેની પિટીશન વિશે ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ.

જો કે સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ પવને તેમના આખરી કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી.