ખેડૂત આંદોલન ક્યારે ખતમ થશે? સરકારના એલાન પર આ તારીખે થશે ફેંસલો

November 21, 2021

- સરકારના નિર્ણયનું આંદોલનકારી ખેડૂતોએ કર્યું સ્વાગત


- 26 નવે. આંદોલનને 1 વર્ષ પૂરા થવા પર દિલ્હીની બોર્ડર પર ખાસ કાર્યક્રમ


દિલ્હી- કેન્દ્ર સરકાર તરફથી કૃષિ કાયદા પરત લેવામાં આવ્યાની જાહેરાત બાદથી સૌ કોઈની નજર એ વાત પર ટકી છે કે, શું ખેડૂતો પોતાનું આંદોલન ખતમ કરશે. જેને લઈને ખેડૂત સંગઠનોએ રવિવારે બેઠક કરી હતી, પરંતુ તેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


હકીકતમાં ખેડૂતો હજુ પણ વેટ એન્ડ વૉચની રણનીતિ પર ચાલી રહ્યાં છે. ખેડૂતોએ આંદોલનની દશા અને દિશા પર ચર્ચા કરવા માટે આજે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સંયુક્ત કિસાન મોર્ચામાં સામેલ તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. જો કે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેડૂતોએ સરકારના એલાન પર કોઈ નિર્ણયને લઈને બોલાવેલી બેઠક હવે 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે.
ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું કે, હજુ પણ આંદોલન પહેલાની જેમ જ યથાવત ચાલુ રહેશે. 27 નવેમ્બરે સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક મળશે. જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોર્ચા 40થી વધુ ખેડૂત સંગઠનોનું ગ્રુપ છે. જે ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યું છે.
જ્યાં સુધી બેઠકમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે, ત્યાં સુધી પહેલાથી નક્કી કરેલા કાર્યક્રમ નિયત સમય પર થતા રહેશે. સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા મુજબ, લખનઉમાં આયોજિત કિસાન મહાપંચાયત તેના નક્કી કરેલા કાર્યક્રમ મૂજબ જ યોજાશે.


આ અંગે જાણકારી આપતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું કે, 22 નવેમ્બરે મહાપંચાયત, 26 નવેમ્બરે આંદોલનના એક વર્ષ પૂરા થવા પર દિલ્હીની તમામ સરહદો પર ગેધરિંગના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. 29 નવેમ્બરે સંસદ માર્ચના કાર્યક્રમને લઈને 27 નવેમ્બરે યોજનારી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે.


કેન્દ્રીય કેબિનેટના નિર્ણય પહેલા કોઈ જાહેરાત નહીં થાય. વડાપ્રધાનને પત્ર લખીને ખેડૂતો વિરુદ્ધ દાખલ કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવશે. આ સિવાય APMC એક્ટ બનાવવા અને લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રીના રાજીનામાંની માંગ કરવામાં આવશે.