લોકડાઉન કેમ ના કર્યું?:લોકડાઉન કરે તો કોરોના ટેસ્ટિંગ-ટ્રેસિંગ અને વેક્સિનેશન અટકી પડે

April 07, 2021

અમદાવાદ : હાલ રાજ્યમાં દરરોજ 3000થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેમજ ટેસ્ટિંગ અને હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ વેઈટિંગની સ્થિતિ બનેલી છે. ગુજરાતમાં કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ લાદ્યો છે. જો કે આ નિર્ણય પહેલા લોકડાઉનની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. પાનના ગલ્લાઓથી લઈ ગલીઓ સુધી એક જ ચર્ચા ચાલી હતી કે લોકડાઉન થશે કે નહીં? પરંતુ રાજ્ય સરકાર લોકડાઉન કરવાની સ્થિતિમાં જ નહોતી. જેને કારણે માત્ર નાઈટ કર્ફ્યૂથી જ લાગુ કરવામાં આવ્યો છે. લોકડાઉન ન કરવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.

જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર તેની ગંભીર અસર થઈ શકે અને ઉલટાનું સંક્રમણ વધી શકે. આ ઉપરાંત પરપ્રાંતીયોનું પલાયન, આર્થિક ગતિવિધિઓ અને ગરીબ-નિરાધાર તેમજ ટંકનું કમાઈને ટંકનું ખાતા લોકોના જીવન નિર્વાહ ચલાવવાનો મોટો પડકાર ઉભો થઈ શકે તેમ હતો. જેને પગલે સરકારે લોકડાઉન કરવાનો વિચાર જ માંડી વાળ્યો હતો.

જો લોકડાઉન કરવામાં આવે તો હાલ પૂરજોશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશન પર તેની ગંભીર અસર પડી શકે તેમ હતી. રાજ્યમાં હાલ 3 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. જો લોકડાઉન કરવામાં આવે તો રસી લેવા જઈ શકાય નહીં. લોકડાઉનને કારણે રસીકરણ બંધ કરવું પડે જે શક્ય નથી. માત્ર એટલું જ નહીં, ડોઝ-2 લેનારા માટેની ડેડલાઈન પણ લંબાઈ શકે, જે કોઈ કાળે પોષાય તેમ નથી.