જાતીય હિંસા માટે મહિલાઓનાં ટૂંકાં વસ્ત્રો વધુ જવાબદાર : ઇમરાન ખાન

June 22, 2021

નવી દિલ્હી: પાકિસ્તાનમાં વધી રહેલી જાતીય હિંસા માટે ફરી એક વખત મહિલાઓને જવાબદાર ગણાવીને વડા પ્રધાન ઈમરાન ખાને નાલેશી વહોરી લીધી છે. ૨૦ જૂનના રોજ પ્રસારિત થયેલા એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું હતું, જો મહિલાઓ સાવ ટૂંકાં વસ્ત્રો પહેરીને ફરે તો પુરુષ ઉપર એની અસર થવાની જ છે, સિવાય કે તે રોબોટ હોય. આ તો સામાન્ય બુદ્ધિની વાત છે. આ અગાઉ ૨૦૨૧ની શરૂઆતમાં પણ એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને દેશમાં વધી રહેલી જાતીય હિંસા માટે પશ્ચિમથી આયાત થયેલી બીભત્સતાને જવાબદાર ઠરાવતું નિવેદન કર્યું હતું. ઈન્ટરવ્યૂમાં એક દર્શકે ઈમરાન ખાનને પૂછયું હતું કે બળાત્કાર અને જાતીય હિંસાના મહિલાઓ અને ખાસ કરીને બાળકો સામેના વધતા જતા બનાવોના સંદર્ભે તમારી સરકાર શું કરવા માગે છે? જવાબમાં ઈમરાન ખાને ફહાશી(બીભત્સતા)ને જવાબદાર ગણાવી હતી. સાથે જ કહ્યું હતું કે લોકો જો ઉત્તેજક દૃશ્ય ન જુએ તો તેનામાં જાતીય ઉત્તેજના ન જાગે એ માટે જ પરદાની શરૂઆત કરવામાં આવી હતી. પોતાના આ જૂના નિવેદનને વાજબી ઠરાવતાં ઈમરાન ખાને વધુમાં કહ્યું હતું કે અમારે ત્યાં ડિસ્કોથેક કુે નાઈટક્લબો નથી. આ બધા વડે તમે સમાજમાં ઉત્તેજનાને હદ બહાર જગાવી દો તો આ તરુણ અને યુવાન લોકો ક્યાં જાય? એની અસર સમાજ ઉપર જ પડવાની! ઈન્ટરવ્યૂ લેનારે પૂછયું કે શું ખરેખર મહિલાનાં વસ્ત્રો જાતીય હિંસાને ઉશ્કેરે છે? તો ઈમરાન ખાને કહ્યું હતું કે તમે કયા સમાજમાં રહો છો એની ઉપર તેનો આધાર છે. જ્યાં સમાજના લોકોએ આવું બધું ન જોયું હોય ત્યાં તો અસર પડવાની. તમારા જેવા સમાજમાં ઉછેર થયો હોય તો કદાચ કોઈ અસર ન પડે.