બસ, ટ્રેન અને ટ્રકો દ્વારા ઉત્તર પ્રદેશ પહોંચેલા મજુરોએ ગામડામાં કોરોના વાયરસ ફેલાવ્યો

May 22, 2020

નવી દિલ્હી : મુંબઈથી ટ્રેનમાં ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં આવેલા 36 લોકોમાં કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ છે. આ સિવાય મુંબઈથી બસ અને ટ્રકમાં બેસીને ઉત્તરપ્રદેશના વિવિધ શહેરોમાં આવેલા 59 પ્રવાસી મજૂરોમાં કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ છે.

છેલ્લા 36 કલાકમાં ઉત્તરપ્રદેશના બારાબંકીમાં 14, જૌનપુરમાં 15, બરેલીમાં 18, વારાણસીમાં 4 અને સિદ્ધાર્થનગરમાં 8 કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ છે.

મુંબઈમાંથી પ્રવાસી મજૂરો ઉત્તરપ્રદેશ સિવાય બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિવિધ શહેરોમાં પહોંચ્યા છે એટલે હવે ચિંતામાં વધારો થયો છે.

આ પ્રવાસી મજૂરો મુંબઈથી ટ્રેન, ટ્રક, ટેમ્પો, બસ મારફતે પોતાના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ આવી પહોંચ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ જ્યારે આ પ્રવાસી મજૂરોએ મુંબઈ છોડ્યું ત્યારે તેઓનું સ્ક્રીનિંગ કરાયું નહોતું અને તેમની પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ પણ નહોતું.

તેમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પણ, તેમાં લાંબી લાઈન હોવાથી ઘણાં પ્રવાસી મજૂરો રૂપિયા 4,000 સુધીનો ખર્ચો કરીને ટ્રક અથવા ટેમ્પો મારફતે પોતાના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ આવી પહોંચ્યા છે.

ઉત્તરપ્રદેશના જૌનપુરના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે અહીં મુંબઈથી આવેલા કુલ 15 લોકોમાં કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ રોડ માર્ગે ઉત્તરપ્રદેશ આવી પહોંચ્યા હતા.

એક સંશોધકના જણાવ્યા મુજબ મુંબઈથી ગામડાઓમાં કોરોના વાયરસ પ્રવેશ્યો છે. હવે કોરોના વાયરસ લોકોની સાથે ટ્રાવેલ કરી રહ્યો છે. જે રીતે હજારો મજૂરો શહેરોમાંથી ગામડામાં આવ્યા ત્યારે કેટલીક જગ્યાઓએ તેમની સાથે કોરોના વાયરસ પણ આવ્યો છે.

ગ્લોબલ હેલ્થ એન્ડ હેલ્થ પોલિસીમાં સંશોધનકર્તા અનંત ભાને કહ્યું, 'વાયરસ મુંબઈ જેવા શહેરી વિસ્તારોથી ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય તેવી શક્યતા જ  હતો. લોકડાઉન લાદતા પહેલા કામદારોને બસ અને ટ્રેન દ્વારા વ્યવસ્થિત રીતે તેમના ઘરે પહોંચાડવાની તરૂર હતી.