યસ બેંકનું કામકાજ રાબેતા મુજબ શરૂ થતાં ખાતેદારોને હાશકારો

March 19, 2020

મુંબઇ : યસ બેંકના ખાતેદારો માટે ૧૩ દિવસ મુશ્કેલભર્યા રહ્યાં પછી તમામ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેની તમામ બેકિંગ સેવાઓ નિયમિત રીતે શરૂ કરી દેવામાં આવી છે. 

૨૧ માર્ચ સુધી બેંકની શાખાઓ એક કલાક વહેલી ખુલી જશે

બેન્કે વધુમાં જણાવ્યું છે કે ખાતેદારોની સુવિધા માટે ત્રણ દિવસ ૧૯ થી ૨૧ માર્ચ સુધી બેંકની શાખાએ એક કલાક વહેલી સાડા આઠ વાગ્યે ખુલી જશે. વરિષ્ઠ નાગરિકો માટે ૪.૩૦થી ૫.૩૦ સુધી બેંકની શાખાઓ ખુલ્લી રાખવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ પાંચ માર્ચના રોજ યસના ખાતાધારકો પર ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

યસ બેંકે વધુમાં જણાવ્યું હતું કે સરકાર, આરબીઆઇ અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદથી ફક્ત ૧૩ જ દિવસમાં બેંકની નાણાકીય કટોકટી દૂર કરવામાં સફળતા મળી છે. 

ઉલ્લેખનીય છે કે આઇસીઆઇસીઆઇ બેંકે ૧૦૦૦ કરોડ રૂપિયા, એચડીએફસીએ ૧૦૦૦ કરોડ રૂપિયા, એકિસસ બેંકે ૬૦૦ કરોડ રૂપિયા, કોટક મહિન્દ્રા બેંકે ૫૦૦ કરોડ રૂપિયા, બંધન બેંક ૩૦૦ કરોડ રૂપિયા, ફેડરલ બેંકે ૩૦૦ કરોડ રૂપિયા, આઇડીએફસી ફર્સ્ટ બેેંકે ૨૫૦ કરોડ રૂપિયાનું યસ બેંકમાં રોકાણ કર્યુ છે. એસબીઆઇએ યસ બેંકમાં ૬૦૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. 

આ દરમિયાન ઇડીએ ત્રણ વખત સમન્સ જારી કર્યા હોવા છતાં હાજર ન થનારા નાણાકીય કટોકટીગ્રસ્ત ડીએચએફએલના પ્રમોટર કપિલ અને ધીરજ વાધવાને જણાવ્યું છે કે તે કોરોના વાઇરસને કારણે તે ઇડી સમક્ષ હાજર થયા નથી.