ભરૂચ: કંબોડિયા ગામમાં તબેલામાં લાગી ભીષણ આગ, ગાય-ઘોડી સહિત 17 અબોલા પશુના મોત

January 10, 2021

ગુજરાતમાં જાણે આગ લાગવાની ઘટનાઓ થંભવાનું નામ જ નથી લઇ રહી. વર્ષ 2020માં હોસ્પિટલોમાં લાગેલી આગ સમાચાર પત્રોની હેડલાઇનો બની હતી. ત્યારે હવે ભરૂચના નેત્રંગમાં કંબોડિયા ગામે લાગેલી આગે ચકચાર મચાવી છે. ભરૂચના નેત્રંગમાં કંબોડિયા ગામે તબેલામાં આગ લાગતા 17થી વધુ દૂધાળા પશુઓના મોત નિપજ્યા છે. આ ઘટનાથી કંબોડિયા ગામમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હજૂ સુધી તબેલામાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે ખેડૂત અને પશુપાલક રામભાઈ રાખોલીયાના ગાયોના તબેલામાં બપોરના સમયે આકસ્મિક આગ લાગી હતી. તબેલામાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા 17થી વધું દુધાળા પશુઓના મોત નિપજ્યા છે. જણાવી દઇએ કે, આખા નેત્રંગ તાલુકામાં ફાયર સ્ટેશન ન હોવાથી આ ગંભીર ઘટના બની હતી. જો આ તાલુકામાં ફાયર સ્ટેશનની વ્યવસ્થા હોત તો કદાચ આ ઘટનામાં આટલી જાનહાની થઇ ન હોત.
તબેલામાં આગ લાગતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવા ખુબ જ પ્રયાસ કર્યો હતો. લોકોએ તબેલામાં આગ લાગતા માટી તેમજ પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી અને આગમાં 17 અબોલા પશુઓના મોત નિપજ્યા હતા.
કંબોડિયા ગામે ખેડૂત અને પશુપાલક રામભાઈ રાખોલીયાના ગાયોના તબાલમાં આગ લાગતા આખો તબેલો બળીને ખાખ થઇ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, નેત્રંગ તાલુકામાં ફાયર સ્ટેશન ઉભું કરવા લોકો અગાઉ પણ માંગ કરી ચૂક્યા છે. કંબોડિયા ગામમાં પશુપાલક રામભાઈ રાખોલીયાના ગાયોના તબેલામાં બાંધેલા 28 નાની મોટી ગાય અને 11 વાછરડા પૈકી બળી જવાથી 17થી વધુ દુધાળા પશુઓના મોત હતા. આ મૃત્યુમાં એક ઘોડી પણ બળી જતા મૃત્યુ પામી હતી.