ઉત્તરાયણને લઈને ગુજરાત પોલીસનો એક્શન પ્લાન તૈયાર

January 12, 2021

અમદાવાદઃ ઉત્તરાયણ ને લઈ અમદાવાદ પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. ઉત્તરાયણ પ્રસંગે લોકો ધાબા પર વધારે ભેગા ન થાય તેના માટે ધાબા પોઈન્ટ, ડ્રોન, ખાનગી બાતમીદારોથી ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. તેનું સુપરવીઝન ઉચ્ચ અધિકારીઓ કરશે. કોરોના ગાઈડલાઈન અંગે DCPએ જણાવ્યું કે જો ગાઈડ લાઈનનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે. કોઈપણ વ્યક્તિ ખુલ્લા મેદાન, પ્લોટમાં પતંગ ચગાવી શકશે નહીં. ધાબા પર પરિવાર સિવાયના લોકોને એકઠાં ન કરવા સૂચના આપી દીધી છે. ઉત્તરાયણના દિવસે પણ ધાબા પર માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે.
ઉતરાયણને લઇ કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલનું હાલ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે રીતે ઉજવણી કરવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન કરશે. ધાબા પોઇન્ટ, ડ્રોન અને ખાનગી બાતમીદારોથી ઉત્તરાયણમાં એરિયા વાઈસ લોકોનું ધ્યાન રખાશે. ઉત્તરાયણનો તહેવાર લોકો ધાબા પર પરિવાર સાથે જ ઊજવે અને મ્યુઝિક સિસ્ટમ વગર ઉજવણી કરે એવી સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાજ્યમાં પોલીસ બંદોબસ્તમાં ધાબા પોઇન્ટ પરથી દૂરબીનથી વોચ રાખવામાં આવશે. વોકીટોકી સાથે સજ્જ પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સરકારના જાહેરનામા મુજબ, કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર પતંગ ચગાવવા એકત્રિત ન થાય એ અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલિંગ/બંદોબસ્ત રાખવો. ઉત્તરાયણના તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેમજ પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે ઊજવાય, જેમાં માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ફલેટ કે ધાબા-અગાશી ઉપર એકત્રિત ન થાય અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન કરે એ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.