૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી ૪.૫ ટકા ઘટી જશે : સરકાર

July 07, 2020

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીનો પ્રસાર અટકાવવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની વિપરીત અસરના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથરેટ ૪.૫ ટકા ઘટી જશે. એપ્રિલ ૨૦૨૦માં સરકારે મૂકેલા અંદાજ કરતાં આ અંદાજ ૬.૪ પર્સન્ટેજ પોઇન્ટ ઓછો છે. કોરોના વાઇરસની વેક્સિન હજુ સુધી શોધી શકાઈ ન હોવાથી કોરોના મહામારી પર પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાના કારણે અર્થતંત્ર પર ગંભીર પડકાર સર્જાયાં છે.

જોકે અર્થતંત્રને વેગ આપવામાં સરકાર દ્વારા કરાયેલા માળખાકીય સુધારા અને સામાજિક કલ્યાણના પગલાં મદદરૂપ બનશે. આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલની કિંમતોમાં ઘટાડા અને આયાતમાં મોટા ઘટાડાના કારણે મહામારી અને લોકડાઉન દરમિયાન નિકાસોમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં વર્ષ પ્રતિવર્ષના આધારે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની મહેસૂલી આવકમાં ૬૮.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોના મહામારીએ સરકારના આર્થિક અંદાજો પર વિપરિત અસર કરી છે.