માઈક્રોસોફ્ટની મહિલા કર્મચારીઓ સાથે બિલ ગેટ્સને હતા સુંવાળા સંબંધ

May 18, 2021

ન્યૂયોર્ક: માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ વચ્ચે છૂટાછેડા થવા જઈ રહ્યા છે ત્યારે બિલ ગેટ્સના અતીતની કેટલીક હિડન ફાઈલ્સ હવે ખુલી રહી છે. તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે જેમાં જણાવાયું છે કે, ૨૦૦૦ની સાલમાં માઈક્રોસોફ્ટની એક મહિલા એન્જિનિયર સાથે તેને શારીરિક સંબંધો હતા. આ અંગે કંપનીના બોર્ડમાં વિગતો સામે આવી અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી તે પહેલાં બિલ ગેટ્સે રાજીનામુ આપી દીધું હતું. મહત્ત્વની વાત એ છે કે, મી ટૂ કેમ્પેન વખતે આ મહિલા કર્મચારીએ પત્ર લખ્યો હતો અને તે પત્ર બિલની પત્ની મેલિન્ડાને પણ મળ્યો હતો. આ પત્ર મળ્યા બાદ તેમના લગ્નજીવનમાં ખટાશ ફેલાઈ હતી. ૨૦૧૯માં આ વિવાદ સપાટી ઉપર આવતા બિલ ગેટ્સે બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું હતું અને ૨૦૨૦માં તેના પરિવારિક જીવનમાં પણ વિખવાદ શરૂ થઈ ગયો હતો. બિલ ગેટ્સના વિવિધ પ્રેમ પ્રકરણો અને જૂના અફેર્સ સામે આવી રહ્યા છે ત્યાં એવા પણ અહેવાલો છે કે, તેણે માઈક્રોસોફ્ટ અને ગેટ્સ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી બે મહિલા કર્મચારીઓને પણ ડેટિંગ માટે ઓફર કરી હતી. તેણે એક મહિલાને માઈક્રોસોફ્ટના પ્રેઝન્ટેશન દરમિયાન પોતાની સાથે સંબંધો રાખવા ઈમેલ કર્યા હતા. બીજી મહિલાને ન્યૂયોર્કના પ્રવાસ દરમિયાન પોતાની સાથે ડિનર કરવા અને સંબંધ રાખવા ઓફર કરી હતી. સૂત્રોના મતે આ મહિલાઓને કારકિર્દીનો ભોગ લેવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે માઈક્રોસોફ્ટની એક મહિલા એન્જિનિયર સાથે તેને શારીરિક સંબંધો અંગે બિલની એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સંબંધ પારસ્પરિક સહમતીથી બંધાયો હતો અને પૂર્ણ થયો હતો. બિલ ગેટ્સે કંપનીમાંથી રાજીનામું આપ્યું તેને આ સંબંધો અને તપાસ સાથે કોઈ લેવાદેવા નથી. ગયા વર્ષે બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટમાંથી રાજીનામું એટલા માટે આપ્યું હતું કે તેઓ માનવ કલ્યાણના કામો પર વધુ ધ્યાન આપી શકે.