મોબાઇલ ફોન મોંઘા થશે: મોબાઇલ પરનો જીએસટી 12 ટકાથી વધારી 18 ટકા કરાયો

March 15, 2020

નવી દિલ્હી : આજે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોબાઇલ ફોન પર જીએસટીનો દર ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની ૩૯મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મોબાઇલ ફોન પરનો જીએસટી ૧૨ ટકાથી ૧૮ કરવાનો સીધો અર્થ એ થાય છે કે મોબાઇલ ફોનની કીંમત વધી જશે. કોરોનાને કારણે અગાઉથી જ મોબાઇલ ફોનના ભાવ વધી ગયા છે.

કોરોનાને કારણે ચીનમાંથી આવતો પુરવઠો ઘટી ગયો હોવાના કારણે મોટા ભાગની બ્રાન્ડના મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ અગાઉથી જ મોંઘા થઇ ગયા છે.

જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે દિવાસળી પર ૧૨ ટકા ટેક્સ લાગશે. અગાઉ હાથથી બનેલી દિવાસળી પર પાંચ ટકા અને અન્ય પર ૧૮ ટકા ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો.

આ ઉપરાંત એરક્રાફ્ટના મેઇનટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ(એમઆરઓ) સર્વિસ પર જીએસટીના દરને ૧૮ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ એમઆરઓ ઉદ્દેશનો પ્રસાર વધારવાનો છે. ભારતમાં આ સર્વિસનો અભાવ છે અને તેના કારણે એરલાઇન્સને મેઇન્ટેનન્સ માટે વિમાન વિદેશ મોકલવા પડે છે જેના કારણે ખર્ચ વધી  જાય છે.જીએસટી કાઉન્સિલની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે વેપારીઓને રાહત આપવા માટે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે જીએસટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારીને ૩૦ જૂન, ૨૦૨૦ કરવામાં આવી છે. જેમનું ટર્નઓવર ૨ કરોડ રૃપિયાથી ઓછું છે તેમને લેટ રિટર્ન ફાઇલ કરવા પર દંડ ભરવો નહીં પડે.