'ડેલ્ટા'ના પ્રમાણમાં 'ઓમીક્રોન' ઓછો ગંભીર છે, છતાં ખતરનાક બની શકે : WHO

January 24, 2022

- જે લોકોમાં 'ઓમીક્રોન'નો પૂરો 'સ્પેક્ટ્રમ' દેખાય તેઓ ગંભીર રીતે બીમાર થઈ શકે છે, મૃત્યુ પણ પામે, તે સંભવિત છે : મારિયા કેરખોવા
નવી દિલ્હી : કોરોના વાયરસનાં ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત થવાનો સીલસીલો દુનિયાભરમાં વેગ પકડી રહ્યો છે. ભારતમાં તો તે કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ સુધી પહોંચી ગયો છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ડેલ્ટા'ના પ્રમાણમાં 'ઓમીક્રોન' ભલે ઓછો ગંભીર લાગે તો પણ તે અત્યારે પણ ખતરનાક બની શકે તેમ છે.


કોવિદ-૧૯ ઉપર WHOના 'ટેકનિકલ-લીડ' મારિયા વી. કારખોવાએ ગઈકાલે જણાવ્યું હતું કે : 'જે લોકો ઓમીક્રોનથી સંક્રમિત છે અને જેમનામાં તે રોગનો પૂરો 'સ્પેક્ટ્રમ' દેખાય છે, તેઓ ગંભીર રીતે બીમાર થઈ શકે છે અને મૃત્યુ પણ પામી શકે. તેવી ભીતી રહેલી છે. તેમાંયે જેઓની વય વધુ હોય અને વેક્સિન લીધીં ન હોય તેઓને તો આ રોગથી ગંભીર નુકસાન થવાની પૂરી શક્યતા રહેલી છે. ઓમીક્રોનને લીધે અત્યારે પણ લોકો હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે અને સંક્રમણને લીધે મૃત્યુ પણ પામી રહ્યાં છે.'


આ સાથે આ તજજ્ઞાોએ એવો સધ્યારો તો જરૂર આપ્યો હતો કે 'તે તો હવે સર્વવિદિત થઈ ગયું છે કે ઓમીક્રોન તેના પ્રસારમાં ડેલ્ટાથી આગળ નીકળી ગયો છે. તે ઝડપભેર લોકોને સંક્રમિત પણ કરે છે. પરંતુ તેનો અર્થ તેવો તો ન જ કરવો જોઈએ કે બધા જ લોકો 'ઓમીક્રોન'થી સંક્રમિત થઈ જશે... વાસ્તવમાં તેના તુર્ત જ ઉપાયો શરૂ કરી દેવા જોઈએ તો આ રોગ જલ્દી કાબુમાં આવી શકશે.'