કોરોનાને રોકવા આજે દેશભરમાં જનતા કરફ્યૂ

March 22, 2020

નવી દિલ્હી :કોરોના વાઈરસનો કેર સમગ્ર દુનિયાની સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમા ંદેશમાં 321 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 39 વિદેશી છે.

ચાર લોકોના મોત પણ થઈ ગયા છે જ્યારે 281 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને 23 દર્દી સાજા થઈ ગયા છે. ભારત માટે હાલ રાહતની વાત એટલી છે કે મૃત્યુઆંકમાં વધારો નથી થયો. જોકે, પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે.

વડાપ્રધાન મોદીએ ગુરૂવારે લોકોને સમગ્ર દેશમાં રવિવારે 'જનતા કર્ફ્યુ'ની અપીલ કરી હતી. મોદીની હાકલના પગલે રવિવારે દેશભરમાં જડબેસલાક 'જનતા કર્ફ્યુ' પાળવાની તૈયારીઓ કરી લીધી છે. જનતા કર્ફ્યુના પગલે અનેક રાજ્યોમાં રેલવે, બસ સહિતના જાહેર પરિવહનો બંધ રાખવામાં આવશે. 

દેશભરમાં શનિવારે વિવિધ ભાગોમાં 35 નવા કેસ નોંધાવાની સાથે ભારતમાં કોવિડ-19ના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 309થી વધુ થઈ ગઈ છે તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં 21મી માર્ચ સુધીમાં કુલ 14,811થી વધુ લોકોમાંથી 15,701 સેમ્પલ્સ લેવાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યુની હાકલને પગલે રવિવારે મોટાભાગની સરકારી અને ખાનગી સંસૃથાઓએ તેમની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે. જોકે, પોલીસ, મીડિયા, મેડિકલ સેવાઓ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.