કેનેડામાં ફેડરલ રેગ્યુલેટર્સ દ્વારા એચઆઈવી સેલ્ફ ટેસ્ટને માન્યતા

November 10, 2020

  • સંશોધકો અને સામાજિક કાર્યકરોએ તંત્રના નિર્ણયને આવકાર્યો

ઓન્ટેરિયો : કેનેડાના ફેડરલ રેગ્યુલેટર્સે સોમવારે કેનેડામાં સર્વ પ્રથમ એચઆઈવી સેલ્ફ ટેસ્ટને મંજુરી આપીને એચઆઈવી સ્ક્રીનીંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની દિશામાં મહત્વનું પગલું લીધું હતું. હેલ્થ કેનેડાએ બ્રિટીશ કોલંબિયા સ્થિત બાયોલીટીકલ લેબોરેટરી રિચમન્ડ દ્બારા નિર્મિત વન મિનીટ ફિંગર પ્રિક બ્લડ ટેસ્ટ ડિવાઈસને મંજુરી આપી હતી. 
સંશોધકો અને સામાજિક કાર્યકરોએ આ પગલાને આવકાર આપ્યો હતો. જયારે કેટલાકનું એવું માનવું છે કે, આ મંજુરી તો માત્ર પહેલું પગલું છે. જે સેલ્ફ એચઆઈવી ટેસ્ટીંગ રણનીતિને આગળ વધારશે. આ પગલા સાથે કેનેડા પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ અપનાવેલી એચઆઈવી સેલ્ફ ટેસ્ટીંગ ટેકનોલોજીને અનુસરનારા અન્ય એક ડઝન જેટલા રાષ્ટ્રો સાથે જોડાઈ ગયું છે. જેથી ન ઓળખાયેલા કેસની સંખ્યા ઘટાડી શકાય.
ર૦૧૬ સુધીમાં કેનેડામાં એવા ૬૩૦૦૦ લોકો જોવા મળ્યા હતા. જે એચઆઈવી ગ્રસ્ત હોય. જેમાં દર સાત કેસોમાં એક કેસ એવો હતો. જેમાં દર્દીને ખબર નહોતી કે, એમની સ્થિતિ શું છે. કેનેડાના જાહેર આરોગ્ય વિભાગના અંદાજ મુજબ તાજેતરના વર્ષમાં કેનેડામાં એચઆઈવીના નવા રપ૬૧ કેસ માત્ર વર્ષ ર૦૧૮માં નોંધાયા હતા. જેની સામે જી સેવન દેશોમાં એચઆઈવીના ચેપનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.
ડો. સીન રોરકેએ કલીનીકલ ટ્રાયલનું નેતૃત્વ સંભાળીને બાયોલીટીકલ સેલ્ફ ટેસ્ટ કીટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કેનેડામાં અંદાજે ૯૦૦૦ લોકોનું નિદાન થઈ શકયું નથી. એમને જીવન વધારનારી સારવારની તક મળવી જોઈએ અને આ રોગના ચેપને અટકાવી શકાય એને માટે મંજુરી જરૂરી હતી. હવે એ બધી શકયતાઓના દરવાજા ખુલી જશે એવી આશા રાખી શકાશે. આ ટેસ્ટના પરિણામો ૯૯ ટકા સચોટ રહ્યા હોવાનું પણ કંપનીએ જણાવ્યું હતું.