પતિએ ગોવામાં પત્નીને કહ્યું, 'તારે ટૂંકા કપડા પહેરવા હોય તો જ મારી સાથે રહે, નહીં તો એકલી રખડ'

March 03, 2021

રાજકોટ  : રાજકોટ નજીક આવેલ કુવાડવાના કુચિયાદળ ગામે માવતરે પરત આવેલી પરિણીત મહિલાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ દેવાંશું જેન્તીભાઈ ભુવા, સસરા જેન્તી બાવા ભુવા, સાસુ મંજુબેન જેન્તીભાઈ ભુવા,નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ પાનસૂરિયા,નણંદ મમતાબેન પરાગભાઈ ઢોલરીયા,દયાબેન જીગરભાઈ રોકડ અને નીલમબેન યોગેશભાઈ નાકરાણી સહિત કુલ 7 લોકો સામે માનસિક ત્રાસ અને મારકૂટ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી મહિલાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પિયરમાં મારા પિતાની ઘરે તારીખ 04/01/ 2020 નારોજ આવી હતી અને ત્યાં એક માસ રહ્યા બાદ હું મારી બહેનના ઘરે રહુ છુ. મારા લગ્ન તારીખ 09/05/2018ના રોજ દેવાંશુ જેન્તીભાઈ ભૂવા સાથે થયા હતા. લગ્ન બાદ અમે બેન બનેવી મળી કુલ ચાર કપલ સાથે ગોવા ફરવા ગયા હતા. ગોવા ખાતે મારા પતિએ મને 'ટુંકા કપડા કેમ નથી પહેરતી' તેમ કહ્યું હતું જેથી મેં કહ્યું કે મારી પાસે જે કપડા છે તે પહેરું છુ' અને આ વાત ને લઇ પતિએ મારી સાથે ઝગડો કરતા કહું હતું કે "તુ બુદ્ધિ વગરની છો તને ખબર નથી પડતી અને તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રહે નહી તો તું એકલી રખડ"ત્યારબાદ અમો દસ દિવસ ગોવામાં રોકાયા હતા.ત્યાં પણ દેવાંશુએ મારી સાથે આવું અભદ્ર વર્તન જ કર્યું હતું.

ફરિયાદી મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે,ગોવાથી પાછા આવ્યા બાદ મેં બધી વાત મારા સાસુને કરી તેમણે કહ્યું કે દેવાશું પહેલેથી જ એવો છે. મે તેમને ફરિયાદ કરતા કહ્યું કે એ મને ગાળો કેમ આપે છે. તો મારા સાસુએ એવું કહ્યું કે,"મારા દિકરાને તારી સાથે લગ્ન નહોતા કરવા એટલે દેવાંશુ તારી સાથે આવું વર્તન કરે છે. ચિંતા ન કર થોડા દિવસમાં બધું સારું થઈ જશે. આ બનાવને થોડા દિવસો બાદ હું મારા નાના નણંદ નીલમબેનની ઘરે જમવા માટે ગઈ હતી એ સમયે પણ રસ્તામાં પતિએ ઝગડો કરી અને કહ્યું હતું કે, તને ભાન નથી પડતી કે તું મને ગમતી નથી અને તુ અહીંથી કોઈ પણ ભોગે ચાલી જા નહી તો હું તને ખટારા નીચે ગાડી નાખી દઈશ. આટલું કહીને બાઈલની સ્પીડ વધારીને મને ડરાવી દીધી હતી.

વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે,મારા સાસુએ એક દિવસ મને વાડીએ વહેલી આવી જવા કહ્યું હતું. જેથી હું સવારે ચાર વાગે ઉઠી ઘરનું કામ પૂર્ણ કરી વાડીએ પહોંચી ત્યાંરે મારા સાસુ સસરા કહેતા કે,"તારે કામ નથી કરવું એટલે તું મોડી આવે છે અને આવા ઢોંગ કરે છે, તેમ કહીને મને અપશબ્દો કહેતા હતા આ બધાથી ત્રાસીને હું મારા પિતાને ઘરે જતી રહી હતી.