કાશ્મીરમાં આતંકીઓએ બે સામાન્ય લોકોની હત્યા કરી

October 16, 2021

કાશ્મીરમાં ભારતીય સેનાએ શરૂ કરેલા ઓપરેશનથી આતંકવાદીઓ ડઘાઈ ગયા છે. આતંકીઓએ ફરી સામાન્ય નાગરિકોનું લોહી વહાવ્યું છે. પુલવામા અને શ્રીનગરમાં આતંકીઓએ બે સામાન્ય લોકોની ગોળી મારીને હત્યા કરી છે.

મળતી માહિતી પ્રમાણે શ્રીનગરમાં આતંકીઓએ અરવિંદ કુમારની હત્યા કરી છે જ્યારે પુલવામામાં યૂપીના રહેવાસી સાગિરની હત્યા કરી છે.
આ અંગે કાશ્મીર ઝોનના પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બે જગ્યાએ અન્ય રાજ્યના મજૂરો પર હુમલો કર્યો હતો. પહેલો હુમલો શ્રીનગરમાં કરવામાં આવ્યો હતો જેમા અરવિંદ કુમારને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે બીજો હુમલો પુલવામામાં આવ્યો જેમા યૂપીના રહેવાસી સાગિર અહમદની હત્યા કરવામાં આવી. હાલમાં સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


કાશ્મીરમાં સતત સામાન્ય લોકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. જેને કારણે લોકોમાં ભારે આક્રોશ છે. જો કે સેના અને પોલીસ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ લઘુમતિ સમુદાય ડરી ગયો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો પલાયન પણ કરી રહ્યા છે. આ અંગે કાશ્મીરની લોકલ પાર્ટીઓએ આ ઘટનાની નિંદા પણ કરી છે.