જોકોવિચ-મેડવેડેવ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો, સર્બિયન ખેલાડી ફેવરિટ

February 21, 2021

મેલબોર્નઃ વિશ્વનો પ્રથમ ક્રમાંકિત સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચ અને રશિયન ખેલાડી ડેનિયલ મેડવેડેવ વચ્ચે રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલ રમાશે. જોકોવિચ કારકિર્દીમાં નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા માટે તથા મેડવેડેવ પોતાનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતવાના લક્ષ્યાંક સાથે ટેનિસ કોર્ટ ઉપર રહેશે. જોકે અનુભવના આધારે જોકોવિચ ટ્રોફી જીતવા માટે હોટ ફેવરિટ રહેશે. મેન્સ સિંગલ્સમાં સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર અને રફેલ નાદાલના નામે છે જેમણે ૨૦-૨૦ ટાઇટલ જીત્યા છે. મેડવેડેવ ગયા વર્ષના અંત ભાગમાં રમાયેલા યુએસ ઓપનની ફાઇનલમાં હારી ગયો હતો.
જોકોવિચ છેલ્લા ૧૫ વર્ષમાં ટેનિસ કોર્ટ ઉપર પોતાનો દબદબો જાળવી રાખનાર ફેડરર અને નાદાલની ઇલિટ ક્લબમાં છે. ૨૫ વર્ષીય મેડવેડેવ આગામી પેઢીનો પ્રતિનિધિ છે. ફેડરર, નાદાલ અને જોકોવિચે સંયુક્ત રીતે છેલ્લા ૧૫માંથી ૧૪ ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. ડોમિનિક થિએમે ગયા વર્ષે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.