ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં અમેરિકી સેના ભારતની સાથે : વ્હાઇટ હાઉસ

July 07, 2020

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં વિસ્તારવાદી દાદાગીરી કરી રહેલા ચીનને આકરો સંદેશો પાઠવતા અમેરિકાએ જણાવ્યું હતું કે, લદ્દાખ ખાતેના ભારતના ચીન સાથેના સરહદી વિવાદમાં અમેરિકાની સેના ભારતની પડખે મજબૂતાઇથી ઊભી રહેશે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોઝે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમારો સંદેશો સ્પષ્ટ છે. અમે દૂર ઊભા રહીને તમાશો જોતાં રહીશું નહીં. ચીન અથવા અન્ય કોઇને પણ સૌથી શક્તિશાળી બનીને પોતાના હાથમાં તમામ અધિકારો લેવા દઇશું નહીં. પછી તે લદ્દાખ હોય કે વિશ્વમાં અન્ય કોઇપણ સ્થળ. વિવાદાસ્પદ દક્ષિણ સમુદ્ર ચીનમાં અમેરિકાના બે યુદ્ધજહાજો દ્વારા ચાલી રહેલા યુદ્ધઅભ્યાસના ૩ દિવસ બાદ મિડોઝનું આ આકરું નિવેદન આવ્યું છે. મિડોઝે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને સંબંધિત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે. ચીન તરફથી ઊભા થઇ રહેલા પડકારો સામે કેવી રીતે કામ લેવું તેના પર અમે વિચારણા કરી રહ્યા છીએ.
અમેરિકાએ જણાવ્યું હતું કે, લદ્દાખ સરહદ પર ચીન સેના પાછી ખેંચવા સહમત થયો છે તેની નોંધ અમેરિકાએ લીધી છે પરંતુ ચીન જે રીતે ઘરઆંગણે, પાડોશી દેશો પર અને સાઇબર સ્પેસમાં આક્રમક વલણ બતાવી રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે ચીનને અટકાવવા માટે બેઇજિંગને પાઠ ભણાવવો જ પડશે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા લદ્દાખ સરહદી વિવાદના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપતો હતો. પરંતુ વિચલિત કરનારી બાબત એ છે કે ચીન ઘરઆંગણે તેમજ વિદેશમાં સતત આક્રમક વલણ અપનાવી રહ્યો છે. તાઇવાનથી શિનજિયાંગ અને દક્ષિણ ચીન સમુદ્રથી હિમાલય, સાઇબર સ્પેસથી આંતરરાષ્ટ્રીય સંગઠનો સુધી ચીની નાગરિકોને દબાવવા ઇચ્છતી અને પોતાના પાડોશી દેશોને ચીડવતી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સામે લડત આપી રહ્યા છીએ. આનો એકમાત્ર રસ્તો એ છે કે ચીનને તેના ખરાબ વર્તન માટે પાઠ ભણાવવામાં આવે.