દિલ્હી માથે પ્રદૂષણનું કલંક અને સરકારો વચ્ચે ખો-ખો

November 22, 2021

પંજાબ અને હરિયાણામાં પરાળી એટલે કે ખેતીનો કચરો બાળવાનો શરૂ થાય તે પછી દિલ્હીમાં પ્રદૂષણની માત્રામાં ધરખમ વધારો થાય છે. હાલમાં ભારતની રાજધાનીમાં ફરી પ્રદૂષણને કારણે કોહરામ મચતા મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાની નીતિ અપનાવી રહ્યા છે. દિલ્હીને દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાનીનો શિરપાવ મળ્યો છે. જુદાં જુદાં રિપોર્ટો કહે છે કે દેશની રાજધાનીના વાયુ પ્રદુષણમાં ૩૯ ટકા ધુમાડો વાહનો અને બાવીસ ટકા ધુમાડો ઔદ્યોગિક એકમો ફેલાવે છે. એ ઉપરાંત હવા સાથે આવતી ધૂળ ૧૮ ટકા જેટલું પ્રદૂષણ વધારી દે છે. 
દરમિયાનમાં સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રસંશનીય વલણ અપનાવીને ખેડૂતો ઉપર દોષનો ટોપલો ઢોળનારાને ઝાટકી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે, ખેડૂતોને દંડવાની તેની જરાય ઈચ્છા નથી. ખેડૂતો વાંકમાં નથી અને ખેડૂતો પાસેથી સરકારે સમજાવીને કામ લેવું જોઈએ. સરકારે ખેડૂતોને હાલ પૂરતી પરાળી નહીં બાળવા વિનંતી કરવી જોઈએ, ઓછામાં ઓછું એક અઠવાડિયા લગી આ કાર્યક્રમ મોકૂફ રાખવા માટે તેમને સમજાવવા જોઈએ. કોર્ટે તો શાળા કોલેજોને એક અઠવાડિયા સુધી બંધ રાખવા પણ તાકીદ કરી છે. 
હવે ખેડૂતોને પરાળી બાળવાની ફરજ કેમ પડી રહી છે એ વિચારવા તો કોઈ તૈયાર જ નથી. ફાઈવસ્ટાર હોટલોમાં બેસી રહેનારા લોકો ખેડૂતોને વધતા પ્રદૂષણ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. ખેડૂતોએ પરાળીના નિકાલ માટે મશીન વસાવવાં જોઈએ એવો બકવાસ પણ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે બીજી પણ ઘણી વાતો કરી છે અને એ વાતોનો સાર એ છે કે, પરાળીની સમસ્યા માટે ખેડૂતોને દોષ દેવાના બદલે સરકારે આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવો જોઈએ.
સુપ્રીમની વાત સાચી છે. કેમ કે, પરાળીની સમસ્યા કામચલાઉ છે. જ્યારે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા તો બારમાસી છે. પંજાબ-હરિયાણામાં ઑક્ટોબર-નવેમ્બરમાં ઘઉંનો પાક લેવાય પછી પરાળી બાળવામાં આવતી હોવાથી પ્રદૂષણ ફેલાય છે એવી વાતો થાય છે. કેજરીવાલ સરકાર પહેલાં પણ ખેડૂતોને દોષ દઈ ચૂકી છે અને અત્યારે ફરી દોષ દઈ રહી છે પણ તેનું યોગદાન પ્રદૂષણ ફેલાવવામાં બહુ મોટું નથી. 
પરાળી એટલે કે, ખેતીનો કચરો પ્રદૂષણ ફેલાવવામાં યોગદાન આપે છે તેનો ઈનકાર ના થઈ શકે, પણ આ સમસ્યા એકાદ મહિના પૂરતી હોય છે. બીજું એ કે, તેનું પ્રમાણ એટલું મોટું નથી. કેન્દ્ર સરકારે તો કહ્યું જ છે કે, દિલ્હીના પ્રદૂષણમાં પરાળીનું યોગદાન માંડ દસેક ટકા છે. વાસ્તવમાં દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા માટે ચાર પરિબળ જવાબદાર છે. સતત ચાલતાં બાંધકામ, વાહનો, ઉદ્યોગો અને પાવર પ્લાન્ટ્સ. આ ચાર પરિબળો પ્રદૂષણ ફેલાવવામાં મુખ્ય યોગદાન આપે છે. આ ચાર પરિબળોને કઈ રીતે નાથવાં તેની વાત કોઈ કરતું નથી.
દિલ્હીમાં પ્રદૂષણ માટે સતત ઉડતી રહેતી ધૂળ અને વાહનોનો ધુમાડો સૌથી વધારે જવાબદાર છે.  દિલ્હીમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં હોવાથી ખોદકામ ચાલ્યા જ કરે છે. પરિણામે ધૂળ ઉડ્યા જ કરે છે તેથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. આ વાત અગાઉ  દિલ્હી હાઈ કોર્ટમાં અપાયેલા રિપોર્ટમાં કહેવાયેલી છે. હાઈ કોર્ટે પોતે સત્તાવાર રીતે આ વાત સ્વીકારી છે. અત્યારે નવા સંસદ ભવનનું કામ રાત-દાડા ધમદોકાર ચાલે છે ને તેના કારણે ધૂળમાં વધારો થયો છે. દિલ્હીમાં વાહનોના કારણે વધતા પ્રદૂષણનો મામલો પણ ગંભીર છે. દિલ્હીમાં રોજ નવાં ૨૦૦૦૦ ખાનગી વાહનો ઉમેરાય છે. તેના કારણે સતત ધુમાડો ફેંકાતો જ રહે છે.
દિલ્હીમાં અડધોઅડધ વાહનો તો સરકારી છે ને તેના કારણે પ્રદૂષણ વધે છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ત્રણ-ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે અને તેમનાં વાહનોની જ સંખ્યા હજારોમાં છે. આ બધાં વાહનો પેટ્રોલ-ડીઝલ પર ચાલતા હોવાથી હવામાં ઝેર ભેળવે છે. દિલ્હીમાં સેંકડોની સંખ્યામાં બસો છે. જેમાંની મોટાભાગની પેટ્રોલ અને ડીઝલ પર ચાલે છે. લાંબા સમયથી દિલ્હીમાં સીએનજી પર ચાલતી બસો સિવાય બીજી બસો નહીં દોડાવવાની વાતો થાય છે પણ પરિણામ હજી પણ મળ્યુ નથી. દિલ્હીમાં અંદરના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો નથી પણ આસપાસના વિસ્તારોમાં બહુ ઉદ્યોગો છે. આ ઉદ્યોગો પ્રદૂષણની ચિંતા જ કરતા નથી. 
દિલ્હીની આસપાસ હજારોની સંખ્યામાં નાની નાની ફેક્ટરીઓમાં વપરાતી મશીનરી બાવા આદમના જમાનાની છે. આ બધાં રોજ ટનબંધ કાર્બન ડાયોક્સાઈડ ઓકે છે. આટલું ઓછુ હોય તેમ વીજળી ઉત્પાદન કરવા માટે હજુય કોલસો વપરાય છે. સરકારી પાવર પ્લાન્ટ્સ જ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે. આ સિવાય દિલ્હીમાં અંદરના વિસ્તારોમાં નાનાં નાનાં ઘરઘરાઉ કારખાનાં પણ બહુ છે. આ ચાર પ્રદૂષણ ફેલાવનારાં મુખ્ય પરિબળો છે પણ તેનો ઉકેલ લાવવા કશું કરાતું નથી. 
સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટ તતડાવે એટલે સરકારના ઈશારે સરકારી અધિકારીઓ ચોપડા કે સાચા-ખોટા રિપોર્ટ લઈને હાજર થઈ જાય છે. સરકારી અધિકારીઓની આ માનસિકતાનું કારણ એ છે કે, તેમને ખબર છે કે, સુપ્રીમ કોર્ટ ગમે તે કહે પણ તેમના પગારમાંથી પાંચિયુંય ઓછું થવાનું નથી કે કોઈ દંડ થવાનો નથી. એ લોકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા નથી તો એ માટે તેમણે કોઈ કિંમત ચૂકવવાની નથી. સુપ્રીમ કોર્ટ બોલે ત્યારે તેમનો ઠપકો સાંભળી લો એટલે પત્યું. એ પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે એટલો સમય સાંભળવાનું હોય. આ સુનાવણી પણ વરસમાં પંદર દાડા-મહિનોથી વધારે ચાલતી નથી. એટલો સમય સહન કરી લેવાનું અને બાકીના અગિયાર મહિના નિરાંતે રહેવાનું એ મંત્ર તેમણે અપનાવી લીધો છે. જો સરકાર અને અધકારીઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગતા હોય તો પ્રદૂષણ સામે કેવી રીતે લડવું એ માટે મેક્સિકો પાસેથી શીખવુ જોઈએ. નોર્થ અને સાઉથ અમેરિકા વચ્ચે આવેલા મેક્સિકોની રાજધાની મેક્સિકો સીટીને ૧૯૯૨માં યૂ.એન.એ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કર્યું હતું. પરંતુ એ પછીના બે દશકમાં આ શહેરના પ્રશાસને એવા પગલાં લીધાં કે પ્રદૂષણ ઘણી હદે ઓછું થઇ ગયું. સાઠના દસકામાં મેક્સિકોમાં નવા ઉદ્યોગો વિકસી રહ્યાં હતાં. ઉદ્યોગો વધવાની સાથે જ કામધંધાની શોધમાં આસપાસના પ્રદેશોના લોકો મેક્સિકો સીટીમાં આવવા લાગ્યાં. વસતી વધી અને સાથે સાથે વાહનો પણ વધ્યાં. ઉદ્યોગો વધતા શહેરની ચારે તરફનો ખુલ્લો વિસ્તાર બંધિયાર થવા લાગ્યો. અંધાધૂધ ઔદ્યોગિકરણનું પરિણામ એ આવ્યું કે, ૧૯૮૫ આવતા સુધીમાં તો પ્રદૂષણની હાલત બદતર થઇ ગઇ.