ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ ટી૨૦ શ્રેણી IPL માટે સ્થગિત કરાઈ

August 05, 2020

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે વેસ્ટ ઇન્ડિઝ સામે ઓક્ટોબરમાં રમાનારી ત્રણ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચની શ્રેણી સ્થગિત કરી દેવામાં આવી છે. ટી૨૦ મેચોનું આયોજન ટાઉન્સવિલે, કેઇર્ન્સ તથા ગોલ્ડ કોસ્ટ ખાતે અનુક્રમે ચોથી, છઠ્ઠી તથા નવમી ઓક્ટોબર કરવામાં આવ્યું હતું. આ શ્રેણીને ટી૨૦ વર્લ્ડ કપની પૂર્વ તૈયારી માટે યોજવામાં આવી હતી પરંતુ આઇસીસીની મેજર ઇવેન્ટને ગયા મહિના કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે સ્થગિત કરવી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન બોર્ડે જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝ બોર્ડ સાથે મળીને અમે ટી૨૦ શ્રેણીને સ્થગિત કરવા અંગે સહમત થયા હતા. આ શ્રેણી હવે ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૧ અથવા ૨૦૨૨માં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં રમાડવામાં આવશે. બંને બોર્ડના નિર્ણયના કારણે હવે બંને દેશના ટોચના ખેલાડીઓ યુઇએ ખાતે રમાનારી બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલમાં ભાગ લઈ શકશે. ઓસ્ટ્રેલિયાની રવિવારથી ઝિમ્બાબ્વે સામે રમાનારી વન-ડે શ્રેણીને પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં મર્યાદિત ઓવર્સની શ્રેણી માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવાનો છે પરંતુ આ શ્રેણીનું આયોજન થશે કે નહીં તે જોવાનું રહેશે.