જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા સામે પીએસએ લાગુ કરાયો

February 06, 2020

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લાગુ કરવામાં આવ્યો છે. ગુરૂવારે તંત્રના આ પગલાંથી આગામી ત્રણ મહિના સુધી કોઈપણ ટ્રાયલ વિના તેમને જેલમાં રાખી શકાશે. આ બંને નેતાઓને તકેદારીના ભાગરૂપે અટકાયત કરવાની મુદત ગુરૂવારે પૂરી થઈ રહી હતી.

ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા પછીથી આ નેતાઓ નજરકેદ હતા. કેન્દ્ર સરકારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂખ અબ્દુલ્લા પર અગાઉ જ 17મી સપ્ટેમ્બરે પીએસએ લગાવી દેવાયો હતો. આ બધા નેતાઓ ગયા વર્ષે પાંચમી ઓગસ્ટથી અટકાયત હેઠળ હતા. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના અન્ય ત્રણ નેતાઓ પર પણ પીએસએ લગાવાયો છે.

ગૃહમંત્રાલય દ્વારા નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના અન્ય ત્રણ નેતાઓ પર પણ પીએસએ લાગુ કરવામાં આવ્યો છે, આ નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી અલી મોહમ્મદ સાગર, ભૂતપૂર્વ ધારાસભ્ય બશીર અહેમદ વીરી અને સરતાજ મદનીનો સમાવેશ થાય છે.

દરમિયાન પીએસએ લગાવાયા પછી પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તી તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્પીટ કરી, જેમાં મુફ્તીએ તેમના પર પીએસએ લગાવાયો હોવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું છે, આ તાનાશાહી સરકાર પાસેથી રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પર પીએસએ જેવો કઠોર કાયદો લાગુ કરવાની આશા રાખી શકાય છે. દેશના મૂલ્યોનું અપમાન થઈ રહ્યું છે, એવામાં આપણે ક્યાં સુધી દર્શક બની રહીશું.