તાઈવાનના આકાશમાં ચીને લડાકુ વિમાનો ઉડાવતા ફફડાટ

November 21, 2021

તાઈવાન અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીનના બે પરમાણુ બોમ્બ ફેંકનાર વિમાનોએ રવિવારે દક્ષિણ તરફ ઉડાન ભરી હતી. બીજી તરફ, લિથુઆનિયાએ તાઈવાનને તેના દેશમાં ઓફિસ ખોલવાની મંજૂરી આપતા ચીન લાલઘૂમ થઈ ગયું છે. રવિવારે એક મોટો નિર્ણય લેતા ચીને લિથુઆનિયા સાથેના રાજકીય સંબંધો રાજદૂત સ્તરથી નીચે કરી દીધા છે.


ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. તેનું અભિન્ન અંગ ગણાવીને ચીન તાઈવાનને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે તાઈવાને પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું છે. રવિવારે તાઇવાન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે બે H-6s એ બાશી ચેનલમાં ઉડાન ભરી. આ બંને પરમાણુ બોમ્બ ફેંકનાર ચીનના સૌથી ઘાતક વિમાનો છે.

આ પહેલા પણ ચીને શક્તિ બતાવવા અને તાઈવાનને ડરાવવાના ઈરાદાથી ઘણી વખત તાઈવાનના આકાશમાં ફાઈટર એરક્રાફ્ટ ઉડાડ્યા છે.
ચીને રવિવારે લિથુઆનિયા સાથેના તેના રાજદ્વારી સંબંધોને રાજદૂત સ્તરથી નીચે કરી દીધા છે. ચીને આ પગલું તાઈવાનને તેના ક્ષેત્રમાં ઓફિસ ખોલવાની મંજૂરી આપ્યા બાદ ઉઠાવ્યું છે. અગાઉ, ચીને લિથુઆનિયાઈ રાજદૂતને હાંકી કાઢ્યા હતા અને તેના રાજદૂતને પાછા બોલાવ્યા હતા, જે તાઇવાનની પરિસ્થિતિ પ્રત્યે તેની ઊંડી સંવેદનશીલતાને પ્રતિબિંબિત કરે છે.