ઉત્તરાખંડ: રૂદ્રપ્રયાગમાં બે જગ્યાએ વાદળ ફાટતા હડકંપ, રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી

May 03, 2021

ઉત્તરાખંડના પર્વતીય જિલ્લાઓમાં વરસાદી માહોલ દરમિયાન વાદળ ફાટવા અને ભૂસ્ખલન થતુ રહે છે. આ દરમિયાન, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રુદ્રપ્રયાગમાં બે સ્થળોએ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જો કે, આ ઘટનામાં હજી સુધી કોઈ જાનમાલના મુકશાનની માહિતી મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટવાની ઘટના રૂદ્રપ્રયાગના નારકોટા અને ખાંકરા ગામોમાં બની છે. અહીં જિલ્લા વહીવટી તંત્રની ડીડીઆરએફ અને બચાવ ટીમ રાહત કામગીરી માટે સ્થળ પર રવાના થઈ છે. રુદ્રપ્રયાગના એસડીએમ બ્રિજેશ તિવારીએ પુષ્ટિ કરી છે કે નરકોટા અને ખાંકરા ગામોમાં વાદળ ફાટ્યું છે. તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. હમણાં સુધી, કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.


હવામાન વિભાગે ઉત્તરાખંડના જુદા જુદા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. રવિવારે બપોર બાદ પણ મોટાભાગના વિસ્તારો વાદળો છવેયેલા રહ્યા હતા અને શિખરો પર બરફવર્ષા થઈ હતી. ચમોલીમાં મોડી સાંજે અનેક જગ્યાએ કરા પડ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરે ભયંકર રૂપ ધારણ કર્યું હતું. લોકોના ઘરો ખેતરોમાં પાણી ભરાય ગયા છે. તે જ સમયે પિથોરાગઢમાં ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં ભારે કરા પડ્યા હતા. હવામાન કેન્દ્ર દ્વારા સોમવારે દહેરાદૂન, હરિદ્વાર, ટિહરી, પૌરી, ચમોલી, અલ્મોરા, બાગેશ્વર, ચંપાવત અને પિથોરાગઢમાં વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાક સ્થળોએ ભારે પવન અને વીજળી પડવા સાથે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.